નવી દિલ્હી,
તા. 15 : કેન્દ્ર
સરકારે ભારતની ઉત્તમ શિક્ષા વ્યવસ્થામાં મોટો બદલાવ કરવાની દિશામાં ભગલું ભર્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે સંસદમાં `િવકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન વિધેયક 2025' રજૂ કર્યું હતું. આ વિધેયકનો હેતુ ઉચ્ચ શિક્ષાના નિયમન, માન્યતા અને પ્રશાસનની વર્તમાન વ્યવસ્થાને પૂરી રીતે બદલવાનો છે. સરકારે બિલને
સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) પાસે મોકલી દીધું છે, જ્યાં ચર્ચા
બાદ ખરડા ઉપર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ
ખરડા હેઠળ ઉચ્ચ શિક્ષા માટે એક કાનૂની આયોગ બનાવવામાં આવશે. જે નીતિ નિર્ધારણ અને સમન્વયની
સર્વોચ્ચ સંસ્થા હશે. આ આયોગ સરકારને સલાહ આપશે, ભારતને શિક્ષાનું
વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે કામ કરશે અને ભારતીય જ્ઞાન પરંપરા અને ભાષાઓને ઉચ્ચ શિક્ષણ
સાથે જોડશે. આયોગમાં એક અધ્યક્ષ, વરિષ્ઠ શિક્ષાવિદ, વિશેષજ્ઞ, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ અને એક પૂર્ણકાલિક
સભ્ય સચિવ હશે. આયોગ હેઠળ ત્રણ સ્વતંત્ર પરિષદ કામ કરશે. જેથી કોઈપણ પ્રકારનો ટકરાવ
ન થાય. આ ત્રણ પરિષદમાં નિયામક પરિષદ, માન્યતા પરિષદ અને માનક
પરિષદ સામેલ છે. નિયામક પરિષદ ઉચ્ચ શિક્ષાની દેખરેખ કરશે. જે સંસ્થાનોના પ્રશાસન,
આર્થિક પારદર્શકતા, ફરિયાદ નિવારણ અને શિક્ષણના
વ્યવસાયીકરણને રોકવા માટે કામ કરશે. માન્યતા પરિષદ સંસ્થાનોની માન્યતાની વ્યવસ્થા જોશે.
જે પરિણામ આધારીત માપદંડ તૈયાર કરશે, એજન્સીઓને સૂચિબદ્ધ કરશે
અને સંબંધિત જાણકારી સાર્વજનિક કરશે. આ ઉપરાંત માનક પરિષદ દ્વારા શૈક્ષણિક માપદંડો
નક્કી કરવામાં આવશે. અભ્યાસના પરિણામ, ક્રેઁડિટ ટ્રાન્સફર,
છાત્રની અવરજવર અને શિક્ષકો માટેના માપદંડ નિર્ધારીત કરવામાં આવશે. આ
કાયદો કેન્દ્રીય અને રાજ્ય વિશ્વવિદ્યાલયો, ડીમ્ડ યુનિવર્સિટી,
આઈઆઈટી, એનઆઈટી જેવા રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનો,
કોલેજ, ઓનલાઈન અને દુરસ્થ શિક્ષા સંસ્થાનો તેમજ
ઈન્સ્ટિટયુશન ઓફ એમિનેન્સ ઉપર લાગુ થશે. જો કે મેડિકલ, કાનૂન,
ફાર્મસી, નર્સિંગ અને સંબંધિત સ્વાસ્થ્ય પાઠયક્રમ
આ કાયદાના સીધા દાયરામાં નહી આવે પણ નવા શૈક્ષણિક માપદંડોનું પાલન કરવું પડશે. ખરડામાં
સ્વાયતતાની વાત છે, તેમ છતા કેન્દ્ર સરકારને ઘણી શક્તિ પણ મળી
છે. કેન્દ્ર સરકાર નીતિગત નિર્દેશ આપી શકશે, પ્રમુખ પદ ઉપર નિયુક્તિ
કરશે, વિદેશી વિશ્વવિદ્યાલયને મંજૂરી આપશે અને જરૂર પડે તો આયોગ
અથવા પરિષદને ભંગ પણ કરી શકશે. ખરડામાં એક બદલાવ અનુસાર માન્યતા પ્રાપ્ત ગેર-વિશ્વવિદ્યાલય
સંસ્થાનોને પણ કેન્દ્રની મંજૂરીથી ડિગ્રી આપવાનો અધિકાર મળી શકશે. નિયમ તૂટતા અધિકાર
પરત પણ લઈ શકાશે. દંડની વ્યવસ્થા પણ આકરી છે. પહેલી ભૂલ માટે 10 લાખ રૂપિયા, વારંવાર ઉલ્લંઘન માટે 30 લાખથી 75 લાખ
અથવા તેનાથી વધારે દંડની જોગવાઈ છે. અવૈધ વિશ્વવિદ્યાલય ખોલવા ઉપર ઓછામાં ઓછા બે કરોડ
રૂપિયાના દંડની જોગવાઈ છે. સરકારના કહેવા પ્રમાણે સજાની અસર છાત્રો ઉપર પડવી જોઈએ નહીં.
ખરડા હેઠળ પસંદગીની વિદેશી યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલી શકશે. જો કે સરકારી મંજૂરી
અને નિયમોનું પાલન કરવું પડશે. પહેલાથી મંજૂર વિદેશી કેમ્પસ નવા નિયામક હેઠળ આવશે.
સાથે જ સારું પ્રદર્શન કરતી ભારતીય યુનિવર્સિટીને વિદેશમાં કેમ્પસ ખોલવાની મંજૂરી મળી
શકશે.