નવીદિલ્હી,
તા.1પ
: રશિયા સાથે યુદ્ધનો અંત લાવવાની દિશામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ
મોટું પગલું ભર્યું છે. અત્યાર સુધી તેમણે પકડી રાખેલી નાટોમાં સદસ્યતા માટેની જીદ્દ
આખરે છોડી દીધી છે. જો કે આના માટે તેમણે શરત પણ રાખી છે. ઝેલેન્સ્કીના કહેવા અનુસાર
પશ્ચિમી દેશ યુક્રેનને મજબૂત અને કાનૂની રાહે બાધ્યકારી સુરક્ષા બાંયધરી આપે તો અમે
નાટોમાં સદસ્યતાની માગણી ઉપર પાછળ હટવા માટે તૈયાર છીએ. ઝેલેન્સ્કીનું આ નિવેદન બર્લિનમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પનાં વિશેષ દૂત સ્ટિવ વિટકોફ અને ઝેરેડ કુશનર સાથે મહત્ત્વની શાંતિ વાટાઘાટ
પહેલા આવ્યું છે. આ બેઠક બર્લિનમાં યુક્રેન, અમેરિકા અને યુરોપીય અધિકારીઓ વચ્ચે
ચાલતી બેઠકનાં દોરનો હિસ્સો છે. આ બેઠક પહેલાં જ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે,
અમેરિકા અને કેટલાક યુરોપીય દેશો તરફથી યુક્રેનની નાટોની સદસ્યતા મેળવવાના
પ્રયાસને સમર્થન કરવામાં આવ્યું નથી તેથી કીવને આશા છે કે, પશ્ચિમી
સંગઠનના સદસ્યોને આપવામાં આવતી સુરક્ષાની ગેરન્ટી જેવી જ બાંયધરીનો પ્રસ્તાવ આપવામાં
આવશે. આ સુરક્ષાની ખાતરી રશિયાનાં આક્રમણની વધુ એક લહેરને રોકવાનો અવસર છે અને અમારા
તરફથી કરવામાં આવી રહેલી સમજૂતી છે.