ગાંધીધામ, તા. 16 : રાપરનાં ત્રંબૌ રોડ પર આજે
વહેલી પરોઢે ત્રણ વાહન ભટકાતાં દશેક લોકોને ઇજાઓ પહોંચી હતી, જે પૈકી ત્રણેક લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાનું
બહાર આવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ આજે સવારે આ અકસ્માત સર્જાયો હતો. રાપરના
ત્રંબૌ ત્રણ રસ્તા પાસે ત્રણ વાહન ભટકાતાં તેમાં રહેલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.
ઘવાયેલા દશેક લોકોને 108 એમ્બ્યુલન્સ
મારફતે સારવાર માટે લઇ જવાયા હોવાનું બહાર આવ્યું હતું, જે પૈકી ત્રણેક લોકોને વધુ ઇજાઓ પહોંચી હતી.
એકીસાથે ત્રણ વાહન ભટકાતાં જે અંગે લોકોને જાણ થતાં લોકો બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા
હતા. આ અંગે રાપર પોલીસ મથકનો સંપર્ક કરાતાં આવો કોઇ બનાવ પોલીસ ચોપડે ન ચડયો હોવાનું
જણાવાયું હતું. વાગડ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી વાહનોને મુસાફર વાહનો બનાવી
તેમાં લોકોને હકડેઠઠ ભરીને આવાગમન કરાતી હોવાનું જાણકાર લોકોએ કહ્યું હતું. બેફામ દોડતાં
આવાં વાહનો લોકોનાં જીવ માટે જોખમી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું, ત્યારે આવા વાહનો પર રેક લગાવવા જાગૃતોએ જણાવ્યું હતું.