ઉડ્ડયન ક્ષેત્રે ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે અને ઘરેલુ યાત્રિકોનું
પ્રમાણ ગુણોત્તરમાં વધતાં વિમાન કંપનીઓને તડાકો પડયો છે, પણ સુધરતા માહોલનો લાભ ગ્રાહકોને નથી જ મળતો
એ બિલકુલ સ્પષ્ટ છે. વિમાનનો સમય જાળવવાથી માંડીને ટિકિટના મોંઘા દર, સામાન પહોંચાડવામાં ખામી, અસલામતી જેવાં પરિબળોને વિમાન
પ્રવાસીઓએ મજબૂરીથી સહન કરવા પડી રહ્યાં છે. કચ્છ સીધી રીતે મુંબઈ સાથે જોડાયેલું છે.
ઔદ્યોગિક વિકાસ પછી એર ટ્રાફિકમાં ભારે વધારો થયો છે, છતાં પૂરતી
સેવાના અભાવે પ્રવાસીઓએ અતિ મોંઘા દામ ચૂકવવા પડી રહ્યા છે. ઈન્ડિગોના શરમજનક ધબડકા
પછી કડક બનેલા નિયમોનો લાભ આખા દેશને મળે એવી અપેક્ષા રાખવામાં આવે એ સ્વાભાવિક છે.
ઈન્ડિગો ઉડાન સંકટથી એકતરફ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની ખામી ગંભીર રીતે સામે આવી
છે, બીજીતરફ કેન્દ્ર સરકાર અને અદાલત દ્વારા ઉઠાવવામાં આવેલાં
મક્કમતાભર્યાં પગલાંની પ્રશંસા થઈ રહી છે. એવું પહેલી જ વખત બન્યું છે કે, જ્યારે કોઈ એરલાઈનના પરિચાલન સંકટને માત્ર યાંત્રિક કે વ્યવસ્થાપનની ખામી ન
માનીને ગ્રાહકના અધિકારો અને બજાર અનુશાસનની દૃષ્ટિથી જોવા અને મૂલવવામાં આવ્યું હતું.
સરકાર અને કોર્ટના હસ્તક્ષેપોથી વિમાન પરિદૃશ્યમાં સુધારાની આશા જરૂર જાગી છે,
પરંતુ આ સુધારો કેટલો ટકશે એ વ્યવસ્થાની પારદર્શિતા, નિયામકીય કડકાઈ અને રાજકીય ઈચ્છાશક્તિ પર પણ નિ:શંક નિર્ભર રહેશે. આ મામલામાં કોર્ટ દ્વારા તપાસ સમિતિના
અહેવાલને `સીલબંધ કવર'માં માગવું એ બાબતનો સંકેત આપે છે કે,
ન્યાયાલય બહારના દબાણથી બચવા માગે છે. જો કે, વિમાનોના
ઉડ્ડયનથી જોડાયેલા આ સંકટે ન માત્ર લાખો પ્રવાસીઓ બલકે, મોટા
પ્રમાણમાં આર્થિક ગતિવિધિઓને પણ પ્રભાવિત કરી હોવાથી સમિતિનો હેવાલ જાહેર થવો પણ એટલો
જ જરૂરી છે. કેમ કે, પારદર્શિતા ન હોવા પર એવી આશંકા સતત રહેશે
કે ક્યાંક ગંભીર ચૂકની જાણકારી દબાઈને રહી ન જાય. હાલમાં તો ડીજીસીએના નવા નિયમો જો
તેનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે, તો વિલંબ, ઉડાન રદ અને પ્રવાસીઓની સલામતીને સુદૃઢ
બનાવશે તેવી આશા જન્માવે છે. ઈન્ડિગોની મુખ્ય કચેરીમાં ડીજીસીએ અધિકારીઓની તૈનાતી એક
પ્રકારનું `સૂક્ષ્મ નિયંત્રણ' કહી શકાય જેનાથી પરિચાલનનું નિરીક્ષણ વધુ સારી
રીતે થશે અને કંપનીને નિયામકોથી દૂરીની સુવિધા હવે મળી શકે નહીં. જો કોમ્પિટિશન કમિશન
એન્ટિ-ટ્રસ્ટ તપાસ શરૂ કરશે, તો એરલાઈનને બજારશક્તિના દુરુપયોગ,
પ્રતિસ્પર્ધા ઘટાડવા અને ગ્રાહકોના શોષણના આરોપોનો સામનો પણ કરવો પડી
શકે છે, તેનાથી વિમાન ઉડ્ડયન ઉદ્યોગમાં અનુશાસનની સ્થાપના થશે
અને અન્ય કંપનીઓને સ્પષ્ટ સંદેશ જશે કે બજાર એકાધિકારનો દુરુપયોગ થઈ શકશે નહીં. સરકારને એ પૂછવું જરૂરી છે કે, ટિકિટોની કિંમતો થોડા જ દિવસમાં 4-5 હજારમાંથી સીધી 30 હજાર કઈ રીતે થઈ ગઈ? શું નિયામક તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હતું ? માત્ર કડક
પગલાં ભરીને સરકાર આ જવાબદારીમાંથી બચી શકે નહીં. કેમ કે, આ સંકટને
રોકવું તેની જવાબદારી હતી. પ્રવાસીઓ માટે અનિવાર્ય વળતરનું ` પ્રવાસી રાહત ભંડોળ', વિમાન સેવાને `રાઈટ ટુ સર્વિસ'ના દાયરામાં લાવવી અને દંડ માટે સ્પષ્ટ સ્લેબ
બનાવવા-આ બધા ગ્રાહક અધિકારને મજબૂત કરવા માટેનાં કેટલાંક વ્યવહારુ સૂચનો છે. સ્પષ્ટ
બહુમતીની સરકાર જો ઈચ્છે તો થોડા જ મહિનામાં આ દિશામાં કોઈ નક્કર કાયદો પણ લાવી શકે
છે.