આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 16 : સોમવારથી
જેની ચર્ચા ચાલી રહી છે એ વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)
એટલે કે, વિકસિત ભારત - જી રામ જી ખરડો આજે લોકસભામાં
મુકાતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. મોદી સરકાર તરફથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ
એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ-2005 એટલે કે, મનરેગાનાં
સ્થાને વિકસિત ભારત - જી રામ જી ખરડો કેન્દ્રના કૃષિપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં
પ્રસ્તુત કર્યો હતો. વિપક્ષે આ બિલ રજૂ થતાં જ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સાંસદ
પ્રિયંકા ગાંધીએ મનરેગાનાં સ્થાને આ બિલ લાવવા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. ચૌહાણે કહ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલને અનુરૂપ આ નવું બિલ આજના સમયને ધ્યાનમાં રાખીને તૈયાર
કરાયું છે, જેમાં મનરેગાના 100 દિવસના રોજગારને બદલે 125 દિવસનો રોજગાર ગરીબોને મળશે.
વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણની ભાવનાને અનુરૂપ કેટલીય યોજનાઓ લાવી છે, એમાં આ એકનો ઉમેરો થશે, જેનાથી ગ્રામીણ ભારતના ગરીબોને રોજગારી મળશે. આ બિલ મનરેગાનાં સ્થાને એટલા
માટે તૈયાર કરાયું છે કે, મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,
ગ્રામીણ ભારતને સશક્ત કરવાથી જ દેશમાં રામરાજ્ય આવશે. બાપુની કલ્પનાને
સાકાર કરવા એનું નામ બદલવામાં આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ મહાત્મા ગાંધીનાં નામ સાથે
જોડાયેલી મનરેગા યોજનાનું નામ બદલવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો કે, કેન્દ્ર સરકારને દરેક સ્થળો, રોડ અને યોજનાનું નામ બદલવાનું
જે પાગલપન છે એ સમજમાં નથી આવતું. ગ્રામીણ રોજગાર યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ
હટાવવા પાછળ સરકારનો તર્ક શું છે એ નથી સમજાતું, પરંતુ જ્યારે
પણ સરકાર યોજનાનું નામ બદલે છે એના ઉપર ખર્ચ કરવો પડે છે. સ્થાયી સમિતિ સમક્ષ આ બિલને
મોકલવાની માગણી કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ચર્ચા
વગર અને ગૃહમાં સલાહ-સૂચનો વગર આ બિલને પાસ ન કરી શકાય. સરકારે આ બિલને પરત લઇને સુધારા
સાથે નવું વિધેયક લાવવું જોઇએ. આ બિલને કમસે કમ ગંભીર ચર્ચા-વિચારણા અને સમીક્ષા માટે
સ્થાયી સમિતિ સમક્ષ મોકલવું જોઇએ. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી મારા પરિવારના નથી આમ છતાં એ મારા પરિવારના હોય એવું જ લાગે
છે, આવી જ ભાવના દરેક ભારતીયોની છે.