માઈક્રોસોફ્ટ અહીં ગંજાવર રોકાણ
કરશે તેવી જાહેરાતથી ટેક્નોલોજી-ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે ખુશીનું વાતાવરણ
છે. ભારત પણ વિશ્વના અન્ય દેશોની જેમ અને અનેક દેશોથી તો ક્યાંય આગળ આ ક્ષેત્રમાં
કામ કરી રહ્યું છે, તે વેળાએ આવી કંપની અહીં વધારે આર્થિક રોકાણમાં રસ ધરાવે તે ભારતના
ટેક્નોક્રેટ્સ, ભારત સરકાર બંને માટે પ્રશંસનીય બાબત છે.
અહીં એવી સાનુકૂળતા હશે તો જ તે 1.58 લાખ કરોડ રૂપિયા જેવું માતબર
રોકાણ કરશે તે પણ સ્પષ્ટ છે. આજે ભલે હજીય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણે ત્યાં
પ્રાથમિક તબક્કે છે, નવું ઘણું બધું તે ક્ષેત્રે થઈ રહ્યું છે, પરંતુ
ભાવિ તો તેનું જ છે. મંગળવારે માઈક્રોસોફ્ટના સી.ઈ.ઓ. સત્ય નાડેલા અને ભારતના
વડાપ્રધાન વચ્ચે જે પરિણામલક્ષી મુલાકાત થઈ તેના અંતે એવું જાહેર થયું કે કંપની
ભારતમાં એઆઈ અને ટેક્નોલોજીનું અન્ય માળખું વિકસાવવા માટે વધારે રોકાણ કરશે અને તે
એશિયામાં માઈક્રોસોફ્ટે અત્યાર સુધીમાં કરેલાં રોકાણમાં સૌથી વધારે હશે. અહીં 17.5 બિલિયન
યુએસ ડોલરની રકમનું તો મહત્ત્વ છે જ,
પરંતુ આપણા દેશમાં એઆઈ ક્ષેત્રે જે ક્રાંતિની શરૂઆત થઈ છે, તેને બૃહદ ફલક મળશે તે સૌથી વધારે અગત્યનું છે. એઆઈની હજી તો એમ કહીએ કે
પ્રારંભિક ચાલ છે. ફોટોગ્રાફી, વીડિયોથી લઈને ફિલ્મ નિર્માણ
સુધીના કાર્યોમાં એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે, પરિણામ મળી
રહ્યાં છે. સર્ચ એન્જિન તરીકે પણ તેનો ઉપયોગ છે. એઆઈથી થતું ભાષાંતર પણ વધારે સચોટ
છે, પ્રાંતીય ભાષા કે ઓછી બોલાતી-લખાતી ભાષાનો ડેટા હજી તેની
પાસે નથી, પરંતુ ઈંગ્લિશ જેવી ગ્લોબલ ભાષામાં તો એઆઈ સર્જન
પણ બળૂકું કરી આપે છે. ટૂંકમાં આ એક વિશાળ દરિયો છે તેમાં અપાર શક્યતા છે, ત્યારે ભારતની નવી પેઢી પણ એઆઈ અને અન્ય ટેક્નોલોજીમાં કૌશલ્ય બતાવી રહી
છે. નિષ્ણાતો તો કહે છે, એવા દિવસો દૂર નથી જ્યારે જીવનનું
કોઈ પણ ક્ષેત્ર એઆઈથી પર કે મુક્ત હશે. તે સ્થિતિમાં માઈક્રોસોફ્ટ અહીં જે રીતે
વિસ્તરી રહ્યું છે, તે દેશના ભાવિ માટે સકારાત્મક બાબત છે.
એઆઈના અન્ય ફાયદા છે, સૌથી આગળ દેખાતો ફાયદો મોટાપાયે
રોજગારીનું સર્જન થશે એ છે. માઈક્રોસોફ્ટે પણ આ આખા પ્રકલ્પને વડાપ્રધાન નરેન્દ્ર
મોદીના વિઝનનું પરિણામ ગણાવ્યું. એસઆઈઆર ઉપર વિવાદ થઈ રહ્યો છે, બીજી બાજુ બંગાળમાં બાબરી મસ્જિદ માટે ફાળો થઈ રહ્યો છે, તેની વચ્ચે આ વિકાસલક્ષી નિર્ણયની જાહેરાત છે. આ પ્રગતિ જ અનિવાર્ય છે,
માઈક્રોસોફ્ટવાળી ડીલ આવકાર્ય છે.