• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

દુબઈથી મુંદરા આવતાં જહાજ પર ઈરાનનો હુમલો

નવી દિલ્હી, તા. 22 : યુદ્ધથી ઊર્જા સંકટે સર્જેલા ઉચાટ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) જવાનોએ બુધવારે હોર્મુઝમાં ફરી ભારત આવતાં એક સહિત ત્રણ જહાજ પર હુમલો કર્યો હતો. લાઈબેરિયાના ઝંડા સાથે દુબઈથી ભારતમાં ગુજરાતના મુંદરા બંદર તરફ આવી રહેલાં જહાજ પર હુમલા બાદ ઈરાની દળોએ આ એપામિનોડ્સ સહિત ત્રણ જહાજ પર કબજો કરી લીધો હતો. દુનિયાના સૌથી મહત્ત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝમાં ઈરાની આક્રમણથી ફરી તાણ વકરી છે. અમેરિકી નાકાબંદી વચ્ચે ત્રણ જહાજ પર ગોળીબારની ઘટનાથી ઊર્જા સંકટના વાદળો ઘેરાતાં દુનિયાભરના દેશોમાં ઉચાટ વધ્યો છે. ઈરાને આરોપ મૂક્યો હતો કે, આ ત્રણેય જહાજે સમુદ્રી નિયમોનો ભંગ કરીને પૂર્વ મંજૂરી વિના હોર્મુઝથી પસાર થવા કોશિશ કરી હતી. આઇઆરજીસીએ ત્રણ જહાજ પર ગોળીબાર કર્યો હતો. જો કે, રાહતની વાત એ રહી હતી કે તમામ જહાજના ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઇરાની સેનાએ હુમલો કર્યો એ ત્રણમાંથી એક જહાજ `એપામિનોડેસ' દુબઇથી ભારતમાં ગુજરાતનાં મુંદરા બંદરે આવી રહ્યું હતું. બ્રિટનની સમુદ્ર સુરક્ષા એજન્સીએ ઇરાની સેના દ્વારા ત્રણ જહાજ પર નિશાન સાધતાં ગોળીબારના અહેવાલો આપ્યા હતા. બીજીતરફ ઇરાની સમાચાર એજન્સી `તસ્નીમ'ના અહેવાલ અનુસાર એક જહાજે ઇરાનનાં સશત્ર દળોની ચેતવણીની અવગણના કરી હતી. અગાઉ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં જ ભારતનાં બે જહાજ પર ઇરાનની સેનાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ તાણ વધી ગઇ હતી. ભારતે તરત આકરી પ્રતિક્રિયા આપતાં ઇરાન રાજદૂતને બોલાવ્યા હતા. સાથોસાથ  આવી હરકતનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે તેવી ચેતવણી પણ આપી હતી. ઈરાનની સરકારી ટીવી ચેનલનાં અહેવાલ અનુસાર જે ત્રણ જહાજોને બંધક બનાવીને ઈરાન તરફ લઈ જવામાં આવ્યા હતાં તેમાં એક એમએસસી ફ્રાંકેસ્કા, યૂફોરિયા અને એપામિનોડ્સનો સમાવેશ થાય છે. આમાંથી એમએસસી ફ્રાંકેસ્કા ઉપર પનામા અને એપામિનોડ્સ ઉપર લાઈબેરિયાનો ઝંડો લાગેલો હતો. આ જહાજોનાં ટ્રેકિંગ ડેટા અનુસાર ઈરાને જપ્ત કરી લીધેલા એપામિનોડ્સ ગુજરાતમાં મુંદ્રા બંદરે આવી રહ્યું હતું. આ જહાજ દુબઈથી પોતાની યાત્રા શરૂ કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની દળ આઈઆરજીસીએ તેનાં ઉપર હુમલો બોલાવ્યો હતો અને તેને કબ્જામાં લીધું હતું. આ ઘટનાએ સમુદ્રી સુરક્ષા ઉપરાંત ભારત માટે પુરવઠાની ચિંતા પણ ઉભી કરી દીધી છે. એક સપ્તાહનાં ગાળામાં જ બીજીવાર ભારત સંબંધિત જહાજ ઈરાનનાં નિશાને આવી જતાં ઈરાનનાં મનસૂબા સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.  ઈરાની નૌસેનાએ જારી કરેલા અધિકૃત નિવેદનમાં કહ્યું હતું કે, આ બન્ને જહાજ મંજૂરી વગર સંચાલિત થતાં હતાં. તેની નેવિગેશન સિસ્ટમમાં હેરાફેરી કરવામાં આવી હતી. જેનાં હિસાબે સમુદ્રી સુરક્ષા સામે ખતરો પેદા થયો હતો. આ બન્ને જહાજોને જપ્ત કરીને ઈરાની તટે લઈ જવામાં આવ્યા છે. હવે બન્ને જહાજ ઈરાની જળસીમામાં છે અને તેનાં સમાન, દસ્તાવેજો અને સંબંધિત રેકોર્ડની તપાસ ચાલી રહી છે.  ઈરાનનાં મીડિયામાં કહેવામાં આવે છે કે, આ જહાજોએ સેનાની ચેતવણીઓને અવગણી હતી અને એટલા માટે જ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ બન્ને જહાજોને બાનમાં લઈ લીધા બાદ ત્રીજા જહાજ યુફોરિયા ઉપર પણ ઈરાની નૌસેનાએ હુમલો કર્યો હતો અને તે હવે ઈરાની તટે જ ફસાયેલું હોવાનું જાણવા મળે છે.  

Panchang

dd