• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

કોંગ્રેસ પ્રમુખનું વધુ એક વિવાદી નિવેદન

મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર પોતાનાં નિવેદનને લીધે વિવાદમાં આવ્યા છે. હજી તો ગુજરાતીઓને અભણ કહેવાની વાતને ભાજપે બરાબર દેશ વ્યાપી મુદ્દો બનાવ્યો ત્યાં જ ફરી એકવાર તેમણે વડાપ્રધાન વિશે કરેલું વિધાન ચર્ચાનો વિષય બન્યું છે. છેલ્લા બે વર્ષમાં વડાપ્રધાન અંગે તેઓ સતત બોલતા રહ્યા છે, પરંતુ છેલ્લે-છેલ્લે તેમણે નરેન્દ્ર મોદીને આતંકવાદીની ઉપમા આપી દીધી. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી તેની ઉગ્ર પ્રતિક્રિયા આપે જ. ખડગે હોય કે અન્ય કોઈ પણ નેતા હોય તેઓ કંઈ બોલે, પછી ક્ષમા માગી લે તેનો કોઈ અર્થ નથી. દેશના એક મોટા સમુદાયનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કંઈ પણ બોલતાં પહેલાં વિચાર કરવો રહ્યો. દરમ્યાન ચૂંટણીપંચે પણ આ ઉચ્ચારણની ગંભીર નોંધ લઈને ખડગેને નોટિસ ફટકારી છે. ચેન્નાઈની એક સભામાં એઆઈએડીએમકે અને ભાજપના ગઠબંધન વિશે આકરી ટીકા કરતાં કોંગ્રેસ પ્રમુખે જે વાત કરી તેનો સાર એવો પણ નીકળ્યો કે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આતંકવાદી કહ્યા. ભાજપ ઉશ્કેરાય તે સ્વાભાવિક છે. સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, આ મર્યાદાનું ઉલ્લંઘન તો છે જ, પરંતુ આ ભૂલ નહીં, ઈરાદાપૂર્વકનું કાવતરું છે. કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. રાહુલ ગાંધી પણ વડાપ્રધાનનું વારંવાર અપમાન કરે છે. આ એ પાર્ટી છે જે ઓસામા બિન લાદેનને ઓસામાજી કહે છે. સંબિતે ખડગેની ઝાટકણી કાઢી નાખી છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, મેં તેમને આતંકવાદી નથી કહ્યા, મારા કહેવાનો અર્થ તો એ હતો કે વડાપ્રધાન અન્ય રાજકીય પક્ષોને ડરાવે છે. તેમની પાસે ઈડી, આઈટી, સીબીઆઈ જેવી એજન્સીઓ છે. તેઓ ધમકી આપે છે. ખડગેની આ વાત વૈધવ્ય પછી આવતા ડહાપણ જેવી લાગે. તેઓ કંઈ બોલ્યા હોય અને તેમણે ક્ષમા માગી હોય તેવું પહેલીવાર નથી બન્યું. હજી પખવાડિયાં પહેલાં પણ એ ઘટના હતી કે, તેમણે ગુજરાતીઓને અભણ કહ્યા હતા. જો કે, તે નિવેદન પણ મૂળ અર્થમાં અલગ હોવાનો તેમનો દાવો હતો, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી સહિત સૌએ તેનો પણ નક્કર જવાબ આપ્યો હતો. આ પૂર્વે મહિલા આરક્ષણ મુદ્દે તેમણે કરેલાં નિવેદનની સામે પણ સંબિતે પ્રહાર કર્યો હતો. 2024માં ખડગેએ કહ્યું હતું કે, મોદી પોતાના ઘરે ઈવીએમ રાખે છે તેની સામે સંબિતે કહ્યું હતું, મોદી પાસે એનર્જી (ઈ) વિકાસ (વી) અને મહેનત (એમ) પહેલેથી જ છે. ખડગેએ અગાઉ મોદીની તુલના ઝેર સાથે કરી હતી. સવાલ કોઈ નેતાના કંઈ ન બોલવાનો નથી. ખડગે હોય કે કેજરીવાલ કે મમતા કે ભાજપના કોઈ નેતા. પ્રતિપક્ષના નેતા અથવા તો સરકારની વિરુદ્ધ બોલવું તે તેઓનો અધિકાર છે. ટીકા તો કોઈ પણની થાય, પરંતુ બંધારણીય પદની ગરિમા હોય. કંઈ પણ કહેતાં-ઉચ્ચારતાં પહેલાં એ જોવું જોઈએ કે તેની અસર શું થશે? નરેન્દ્ર મોદી કે તેમની સરકારના નિર્ણય, શાસન પદ્ધતિ, તેમના પગલાં વિશે ચર્ચા થાય. વિરોધ થાય, પરંતુ સાપ કે ઝહેર કે આતંકવાદી જેવા શબ્દપ્રયોગો રાજકીય અને રાષ્ટ્રીય બંને વાતાવરણ બગાડે. આ વાત તમામ પક્ષના તમામ નેતાઓ માટે એકસરખી છે. 

Panchang

dd