નવી દિલ્હી, તા. 22 : આવતીકાલે
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કા હેઠળ 152 સીટ ઉપર મતદાન કરવામાં આવશે જ્યારે તામિલનાડુની તમામ 234 સીટ ઉપર એક જ તબક્કા હેઠળ મતદાન
થવાનું છે. આ તમામ સીટ ઉપર ઘણા મોટા નેતાઓના નસીબ દાવ ઉપર છે. ખાસ કરીને તીવ્ર પ્રચાર
યુદ્ધ અને સામસામા આરોપો તેમજ એસઆઈઆરની કવાયતને લીધે બંગાળના મતદાન અને પરિણામ પર દેશભરની
નજર રહેશે. મમતા બેનર્જીના ગઢમાં ભાજપે જોર લગાવ્યું છે. બંગાળની 16 જિલ્લાની 152 બેઠક ઉપર પ્રચાર અભિયાન મંગળવારે
સાંજે છ વાગ્યે જ પૂરું થયું હતું. આ ચરણના પ્રચારમાં એસઆઇઆર પ્રમુખ મુદ્દો રહ્યો હતો.
જેના ઉપર ટીએમસી અને ભાજપ વચ્ચે આકરા આરોપ પ્રતિઆરોપ જોવા મળ્યા હતા. બન્ને દળે મતદાતાઓને
આકર્ષવા માટે મોટા મોટા વચનો પણ આપ્યા છે. આ તબક્કામાં 3.60 કરોડથી વધારે મતદાર મત આપવા
માટે પાત્ર છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે કેન્દ્રીય અર્ધસૈનિક
દળની રેકોર્ડ 2450 કંપની તૈનાત કરી છે. એટલે કે
2.5 લાખ સુરક્ષા કર્મચારીઓને જવાબદારી
સોંપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 8000થી વધારે મતદાન કેન્દ્રને સંવેદનશીલ જાહેર કર્યા છે. બીજી તરફ
તામિલનાડુમાં થનારાં મતદાન માટે પણ સુરક્ષાની વ્યાપક સ્તરે તૈયારી કરવામાં આવી છે.
તમિલનાડુમાં કુલ 5.73 મતદાતા લોકતંત્રના
સૌથી મોટા તહેવારમાં ભાગ લેશે. ચૂંટણીમાં રાજકીય દળો અને અપક્ષ સહિત કુલ 4618 ઉમેદવાર મેદાનમાં છે. પૂરા
તમિલનાડુમાં 75,032 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં
છે. જેમાંથી 5938 મતદાન કેન્દ્ર સંવેદનશીલ જાહેર
કરવામાં આવ્યાં છે.