નવી દિલ્હી, તા. 22 : આઈ-પેક કેસમાં
પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢીને સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જેવી વ્યક્તિએ આવું કામ કરીને આખી
સિસ્ટમનો ઉપયોગ કરીને લોકતંત્રને જોખમમાં મૂકી દીધું. બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પહેલા
તબક્કા પૂર્વે જ ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને
ન્યાયાધીશ એન.વી. અંજારિયાની ખંડપીઠે કહ્યું હતું કે, કોઈ મુખ્યમંત્રી
ખુદ દોડી આવીને તપાસમાં હસ્તક્ષેપ કરે એવું વિચાર્યું નહોતું. જાન્યુઆરી મહિનામાં ઈડીએ
આઈપેકનાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. આ દરમ્યાન મમતા બેનર્જી આઈપેકના સહસ્થાપક પ્રતીક
જૈનના નિવાસે દોડી આવ્યા હતા તેમજ કેટલીક ફાઈલો લઈ લીધી હતી, જેને પગલે રાજકીય ઘમસાણ મચ્યું હતું. કેન્દ્રીય એજન્સીએ આક્ષેપ કર્યો હતો કે,
બેનર્જીએ એ સ્થળેથી મહત્ત્વના પુરાવા હટાવી દીધા છે. સુપ્રીમની ખંડપીઠે
કહ્યું હતું કે, કોઈ રાજ્યના મુખ્યમંત્રી ચાલુ તપાસ દરમ્યાન આ
રીતે અંદર ઘૂસી આવી શકે નહીં. બંધારણ ઘડવાવાળાઓ આવા કામની મંજૂરી આપી શકે નહીં. રાજ્ય સરકારે બંધારણની 32મી કલમ હેઠળ ઈડી દ્વારા દાખલ કરાયેલી અરજીની
સ્વીકાર્યતા સામે સવાલ ઊઠાવ્યા બાદ અદાલતે જણાવ્યું હતું કે, આ કંઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેનો મામલો
નથી. તમે આ રીતે હસ્તક્ષેપ કરી શકો નહીં. કોઈ પણ મુખ્યમંત્રી તપાસ વચ્ચે પહોંચી આવે
છે અને તમે કહો છો કે, આ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ છે.