• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

અપમૃત્યુના બનાવોમાં પાંચ જિંદગી પર પૂર્ણવિરામ

ભુજ/ગાંધીધામ, તા. 22 : પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કાળચક્ર ફરી વળતાં જુદા-જુદા અપમૃત્યુના બનાવોમાં પાંચ જિંદગી પર પૂર્ણવિરામ મુકાયું હતું, જેમાં ચાર બનાવ તો ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાના છે. કચ્છમાં આપઘાતના બનાવમાં ઉછાળો આવ્યો છે જે ચિંતાપ્રેરક બાબત છે. માંડવીના નાગ્રેચાની સીમમાં 60 વર્ષીય પશુપાલક કાદર હાસમ માંજોઠી લીમડાના ઝાડ કાપવા ઝાડ પર ચડતાં તેને વીજશોક ભરખી ગયો હતો, જ્યારે ભુજમાં 27 વર્ષીય યુવાન યોગેશ રવજી સોલંકી, મોટા કાંડાગરામાં અદાણી લેબર કોલોનીમાં મૂળ બિહારના 23 વર્ષીય યુવાન મહોમદ સલામ મહોમદ અલાઉદીન અને ભચાઉના જંગીમાં 23 વર્ષીય યુવક પ્રેમજી વશરામ સોલંકી તથા અંજારના નગાવલાડિયામાં 46 વર્ષીય મહિલા કંકુબેન જગદીશ મરંડે ગળે ફાંસો ખાઈ પોતાના જીવ દીધા હતા. માંડવી તાલુકાના નાગ્રેચાની સીમમાં ગઈકાલે સવારે બકરા ચરાવવા કાદર માંજોઠી ગયા હતા, જ્યાં લીમડાના ઝાડ કાપવા માટે ઉપર ચડયા હતા અને આ ઝાડ ઉપરથી પસાર થતી વીજલાઈનમાંથી ઈલેક્ટ્રિક શોક લાગતાં સારવાર માટે ગઢશીશાની સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. ભુજના જૂની રાવલવાડીમાં રહેતા 23 વર્ષીય યુવાન યોગેશ રવજી સોલંકીએ ગઈકાલે રાતે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ પણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. એ-ડિવિઝન પોલીસ મથકે આજે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજીતરફ તા. 20/4ના મોટા કાંડાગરામાં અદાણી લેબર કોલોનીમાં મૂળ પશ્ચિમ બંગાળના સંજીત ઘોષે ફાંસો ખાઈ જીવ દીધાની ઘટના દરમ્યાન જ અદાણી લેબર કોલોનીમાં જ તા. 20/4ના જ મૂળ બિહારના 23 વર્ષીય યુવાન મોહમદ સલામ મહોમદ અલાઉદીને પણ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. એક જ કાલોનીમાં એક જ દિને બે ગળે ફાંસો ખાઈ આપઘાતના બનાવ સામે આવતાં લોકોમાં અરેરાટી વ્યાપી હતી. બીજીતરફ જંગીમાં હાજીનગર નજીક રહેનાર પ્રેમજી નામનો યુવાન ગઈકાલે બપોરે પોતાના ઘરે હાજર હતો, દરમ્યાન અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંજારના નગાવલાડિયામાં ગઈકાલે બપોરના અરસામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર કંકુબેન નામના મહિલા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા, દરમ્યાન અગમ્ય કારણોસર તેમણે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd