નવી દિલ્હી, તા. 15 : તેલ સંકટ
સામે ઝઝૂમી રહેલા દુનિયાભરના દેશોના હિતમાં હોર્મુઝ ખોલવાની આજે અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી બતાવી છે, તો બીજી
તરફ યુદ્ધવિરામનો ગાળો લંબાવાય તેવા રાહતભર્યા એંધાણ પણ મળી રહ્યાં છે, ત્યારે ઈરાને બાજી બગાડવાની ચેષ્ટારૂપે ધમકી આપી હતી કે, હોર્મુઝ પર નાકાબંદી ચાલુ રખાશે, તો રાતો સમુદ્ર,
ઓમાન સાગર તેમજ ફારસની ખાડી (પર્શિયન ગલ્ફ) એ ત્રણ મહત્ત્વના સમુદ્રી
માર્ગો બંધ કરી દેવાશે. અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી માટે પણ ફરી વાટાઘાટો કરે તેવી શુભ
સંભાવના વચ્ચે પાકિસ્તાની સેનાવડા અસીમ મુનીર પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાનો સંદેશ લઈને
તેહરાન પહોંચ્યા હતા. જે વાતચીતના બીજા દોર અંગે ચર્ચા કરશે. દરમ્યાન ટ્રમ્પે કહ્યું
કે, યુદ્ધ ખતમ થવા તરફ છે.
અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામની અવધિને
આગળ લંબાવવા માટે સહમત થવાની નજીક છે. આ ઉપરાંત શાંતિ સમજૂતી માટે પણ બંને પક્ષ
ફરીથી વાટાઘાટ માટે મળે તેવી સંભાવના પણ છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર મધ્યસ્થીઓ
દ્વારા 22 એપ્રિલે સમાપ્ત થતાં યુદ્ધવિરામને
વધુ બે અઠવાડિયા માટે આગળ વધારવામાં આવે તેવા પ્રયત્નો શરૂ થયા છે, જેના માટે બંને પક્ષે સૈદ્ધાંતિક સહમતી પણ આપી
હોવાનું બિનસત્તાવાર અહેવાલોમાં જાણવા મળે છે. દરમિયાન પાક. સેના પ્રમુખ આસીમ મુનીર
અમેરિકાનો સંદેશો લઈને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઈરાન પહોંચી ગયા હતા. બીજી તરફ
વર્ષો બાદ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ સીધી ઔપચારિક વાતચીત યોજાઈ હતી. મધ્યસ્થીઓ તરફથી
અડચણ બનેલા ત્રણ મુખ્ય મુદ્દા ઉપર સમાધાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ત્રણ મુદ્દામાં
ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ અને યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા
નુકસાનનાં વળતરનો સમાવેશ થાય છે. દરમિયાન અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સાથે વાટાઘાટની સંભાવનાને પુષ્ટિ આપી હતી. તેમણે
કહ્યું હતું કે, આવનારા એક-બે દિવસમાં પશ્ચિમ એશિયામાં શાંતિ
માટે બીજા તબક્કાની વાતચીત સંભવ છે. દરમિયાન અમેરિકી સેના તરફથી કહેવામાં આવ્યું હતું
કે, ઈરાની બંદરોની નાકાબંધી પૂર્ણપણે અમલમાં છે, તો સામે છેડે ઈરાને પણ જવાબી કાર્યવાહીની ધમકી આપી હતી. સંયુક્તરાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુતારસે પણ
પાક.ના વિદેશ મંત્રી ઈસહાક ડાર સાથે પોતાની બેઠકનો હવાલો આપીને કહેવામાં આવ્યું હતું
કે, ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ફરી થવાની સંભાવના પ્રબળ છે.
પાક.ના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ પણ સાઉદી અરબ જઈને પાક.ના મધ્યસ્થતાના પ્રયાસોના ભાગરૂપે
બેઠક યોજવાના છે. દરમિયાન પાક. સેના પ્રમુખ આસીમ મુનીર અમેરિકાનો સંદેશ લઈને ઈરાન પહોંચ્યા
હતા.