• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

આજથી સંસદ સત્ર : સીમાંકન મુદ્દે સરકાર-વિપક્ષ સામસામે

નવી દિલ્હી, તા. 15 : મહિલા અનામતના કાયદાના અમલીકરણ અને સીમાંકનની વિવાદ જગાવનારી કવાયતની જોગવાઈ સાથેના મોટા બંધારણીય સુધારા ખરડાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિરોધ પક્ષોએ સીમાંકનને લઈને આ ખરડાનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે આ સત્રમાં સરકાર અને વિપક્ષ આમનેસામને હશે. સરકાર એક તરફ આ બિલને મહિલાઓની પ્રગતિ માટેના એક મોટાં પગલાં તરીકે ઉપસાવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષો સીમાંકનનાં સમીકરણનો વિરોધ કરી રહ્યા છે અને દક્ષિણ ભારતીય રાજ્યોને એવી ચિંતા છે કે, સીમાંકનની કવાયત વસ્તી પર સારા નિયંત્રણને લીધે તેમની રાજકીય સ્થિતિ અને બેઠકો પર અવળી અસર કરશે. કાલે લોકસભામાં આ મામલે લાંબી ચર્ચા થશે. મહિલા અનામત ખરડાને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપવામાં આવ્યું છે તે રજૂ કરવામાં આવશે. ખરડા ઉપર ચર્ચા બાદ તેને પસાર કરાવવાની પ્રક્રિયા થશે. ખરડામાં લોકસભા સીટની સંખ્યામાં વધારો અને સિમાંકન જેવા બદલાવ પ્રસ્તાવિત છે. સરકારે લોકસભાની કુલ સીટ 543થી વધારે મહતમ 850 કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેમાં 815 સીટ રાજ્યો માટે અને 35 સીટ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે હશે. આ કુલ સીટમાંથી 33 ટકા એટલે કે 273 સીટ મહિલાઓ માટે અનામત રહેશે. સરકાર 16,17 અને 18 એપ્રિલના સંસદના વિશેષ સત્રમાં બંધારણ સંશોધન વિધેયક લાવવાની તૈયારીમાં છે. જેથી 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામત લાગુ કરી શકાય આ માટે સંબંધિત ખરડાનો મુસદ્દો સાંસદોને મોકલી દેવાયો છે અને પીએમ મોદી 17 એપ્રિલના રોજ ખરડા ઉપર સંબોધન કરી શકે છે.  લોકસભામાં 16 અને 17 એપ્રિલના રોજ ચર્ચા અને મતદાન થશે. રાજ્યસભામાં 18 એપ્રિલના ચર્ચા અને મતદાન થશે. લોકસભામાં બિલ માટે 18 કલાક અને  રાજ્યસભામાં 10 કલાકનો સમય રાખવામાં આવ્યો છે. બન્ને ગૃહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખરડા ઉપર ચર્ચાનો જવાબ આપશે. સદનમાં કુલ ત્રણ ખરડા રજૂ કરવામાં આવશે. જે કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂન (સંશોધન) વિધેયક 2026, સંવિધાન (131મુ સંશોધન) વિધેયક 2026 અને પરિસીમન વિધેયક 2026 (ડીલિમિટેશન બિલ 2026) છે. આ ખરડા 2023મા પસાર નારી શક્તિ વંદન અધિનિયમ ઉપર આધારીત છે. જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. જો કે તેની અમલવારીને ભવિષ્યમાં થનારી જનગણના અને સિમાંકનની પ્રક્રિયાને જોડવામાં આવી છે. પ્રસ્તાવ હેઠળ મહિલા અનામત 15 વર્ષ માટે લાગુ થશે. એટલે કે 2029, 2034 અને 2039ની ચૂંટણીમાં અનામત લાગુ રહેશે. બાદમાં અનામત આગળ વધારવાનો નિર્ણય સંસદ દ્વારા કરવામાં આવશે. અનામત બેઠકો દરેક ચૂંટણીમાં બદલતી રહેશે અને તેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને પણ સામેલ કરાશે. આખી પૂરી પ્રક્રિયામાં સિમાંકન મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર 2011ની જનગણનાને આધાર બનાવીને નવી સીટ નક્કી કરવા માગે છે. અત્યારસુધી સીટોનો આધાર 1971ની જનગણના હતી. આ માટે સિમાંકન આયોગ બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા પૂર્વ જજ રહેશે. આ આયોગ તમામ લોકસભા સીટને ફરીથી નક્કી કરશે અને તેઓનો નિર્ણય અંતિમ ગણાશે. જેને અદાલતમાં પડકારી શકાશે નહીં. માનવામાં આવે છે કે ઉત્તરના રાજ્યોમાં નવી સીટની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ શકે છે. 80 સીટના ઉત્તર પ્રદેશમાં સંખ્યા વધીને 125 થઈ શકે છે. બિહારમાં લોકસભા સીટ 40થી વધીને 62, મહારાષ્ટ્રમાં 48થી વધીને 75, તમિલનાડુમાં 39થી વધીને 61 અને કેરળમાં લોકસભા સીટનો આંકડો 20થી વધીને 31 થઈ શકે છે.  

Panchang

dd