તેહરાન, તા. 3 : સમગ્ર
વિશ્વમાં ફરી એકવાર મહાયુદ્ધનો ભય છવાયો છે. ઈઝરાયલે તેહરાનમાં હમાસ નેતાની હત્યા કર્યા
બાદ ઈરાન બદલાની આગમાં ભભૂકી રહ્યું છે અને આગામી સોમવારે હુમલો કરે તેવી સંભાવના છે.
પશ્ચિમી ગુપ્તચરોને ટાંકી અહેવાલમાં દાવો કરાયો છે કે ઈઝરાયલ પર હુમલો કરવા ઈરાને તૈયારીઓ
કરી લીધી છે અને તા.પને સોમવારે ગમે ત્યારે હુમલો કરાશે કારણ કે તે દિવસે યહુદીઓનો
ખાસ તહેવાર છે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ ઈરાની દળોને હુમલાનો આદેશ જારી કરી દીધાનું કહેવાય
છે. ઈરાન ઈઝરાયલ ઉપર હુમલો કરે અને ઈઝરાયલ જો પલટવાર કરે તો એક પૂર્ણ યુદ્ધ ફાટી નીકળવાની
આશંકાએ દુનિયાભરમાં ગભરાટ છવાયો છે. અમેરિકાએ ઇઝરાયલની સુરક્ષા માટે મધ્ય પૂર્વમાં
યુદ્ધવિમાનો અને યુદ્ધ જહાજો તહેનાત કરી દીધા છે. તેહરાનમાં હમાસ નેતા અને બેરૂતમાં
હિઝબુલ્લાહના કમાન્ડરની હત્યા બાદ ઈરાન અને તેના સાથીઓ દ્વારા બદલો લેવાની ધમકી બાદ
અમેરિકા હરકતમાં આવી ગયું છે. અમેરિકાએ નિવેદન આપ્યું છે કે, અમેરિકન સંરક્ષણ વિભાગ
મધ્ય પૂર્વમાં ફાઈટર જેટ સ્ક્વોડ્રનને તહેનાત કરશે. તે આ વિસ્તારમાં એરક્રાધટ કેરિયરની
જાળવણી કરશે. પેન્ટાગોને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને ઈરાનના હુમલાથી ઇઝરાયલને
બચાવવાની તૈયારીના ભાગરૂપે આ પગલાં લીધા છે. સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને યુરોપ અને મધ્ય-પૂર્વમાં
એક્સ્ટ્રા બેલેસ્ટિક મિસાઈલ તહેનાત કરવાના આદેશ આપ્યા છે. તેની સાથે જમીનથી હુમલો કરી
શકે તેવા હથિયારો મોકલવાની પણ તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગુરુવારે બપોરે જો બાઈડનની
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની વાતચીતમાં, અમેરિકન બેલેસ્ટિક મિસાઇલો
અને ડ્રોનથી સંભવિત હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાના સૈન્યની તહેનાતીની ચર્ચા
કરી હતી. મધ્ય પૂર્વ અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં
અમેરિકાના યુદ્ધ જહાજોની તહેનાત હોય છે. તેમાં બે નેવી ડિસ્ટ્રોયર, યુએસએસ રૂઝવેલ્ટ
અને યુએસએસ બુલ્કેલી તેમજ યુએસએસ વાપ્સ અને યુએસએસ ન્યુયોર્કનો સમાવેશ થાય છે. મધ્ય
પૂર્વમાં અમેરિકા કયા નવા જહાજો જશે તે હજુ સ્પષ્ટ નથી. અગાઉ અપ્રિલ મહિનામાં અમેરિકાની
સેનાએ ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઈલ અને ડ્રોનથી કરેલા હુમલાને નિષ્ફળ કરી દીધો હતો.
દરમિયાન એક ચોંકાવનારા ખુલાસામાં હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાની હત્યામાં ઈરાની એજન્ટોની
જ સંડોવણી સામે આવતાં દરોડાનો દોર શરૂ થયો છે. ઈરાનના ઇન્ટેલિજન્સ અધિકારી, સૈન્ય અધિકારી,
ગેસ્ટ હાઉસ સ્ટાફ સહિત ર4ની ધરપકડ કરવામાં આવી છે.