• રવિવાર, 15 માર્ચ, 2026

સીબીએસઇમાં કોપી કરતા છાત્રો સાવધાન

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ ધો. 10 અને 12ની પરીક્ષા માટે નવા નિયમ લાગુ કર્યા છે. આ નિયમો નકલખોરી કરનારા વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન છે. પરીક્ષા દરમ્યાન ચોરી કરીને પેપર લખતા કે કોઇ અયોગ્ય વર્તન કરતા પકડાઇ જશે, તેવા છાત્રોએ હવે `કમ્પાર્ટમેન્ટ એક્ઝામ' એટલે કે `પૂરક પરીક્ષા' આપવી પડશે, જેમાં કોપી કરતા પકડાશે તે વિષયનું પરિણામ રદ્દ કરી દેવાશે. આવા વિદ્યાર્થીઓ છઠ્ઠા અથવા સાતમા વધારાના વિષયના આધારે પાસ નહીં થઇ શકે. વધારાના વિષયના ગુણના આધારે આગળ જઇ શકશે નહીં. સીબીઅસઇના નવા નિયમો અનુસાર હવેથી વિદ્યાર્થીઓને પાસ થવા માટે પોતાના મુખ્ય વિષયોમાં જ નિર્ધારિત ગુણ પ્રાપ્ત કરવા પડશે. નિયમોમાં આ બદલાવ બાદ છાત્રોએ પોતે પસંદ કરેલા મુખ્ય વિષયો પર વધુ ધ્યાન આપીને મહેનત કરવી પડશે. આમ, સરળ અર્થ  એ થયો કે નવા નિયમ મુજબ વધારાના વિષય માત્ર વિદ્યાર્થીનાં કૌશલ્ય અને જ્ઞાન વધારવા પૂરતા હશે. ટકાવારી વધારવામાં વધારાના વિષયોમાં વિદ્યાર્થીને મળતા ગુણની કોઇ ભૂમિકા નહીં રહે તેવું જાણવા મળે છે. સૌને સમાન અવસર આપતાં નકલખોરીને રોકવા માટે લેવાયેલા આ મોટા ફેંસલા હેઠળ કોઇ છાત્ર પરીક્ષા દરમ્યાન નકલ (કોપી) કરતો પકડાઇ જાય છે, તો તે સંબંધિત વિષયનું પરિણામ રદ્દ કરી દેવાશે. એટલું જ નહીં, પરંતુ તે વિષયને છઠ્ઠા કે સાતમા વિષયના ગુણો સાથે બદલીને છાત્રને પાસ કરી દેવાની સુવિધા પણ ખતમ કરી દેવાઇ છે. સીબીએસઇની સમીક્ષા બેઠકમાં જાણવા મળ્યું હતું કે, વધારાના વિષયના ગુણોની મદદથી પાસ થઇ જવાની સુવિધાનો છાત્રો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. પરીક્ષામાં પારદર્શકતા માટે આ નવો નિયમ 2026થી જ સીબીએસઇની ધો. 10 તેમજ ધો. 12ની પરીક્ષાઓમાં લાગુ કરી દેવાશે. આમ, હવેથી કોપી કરનારા છાત્રએ તે વિષયની પરીક્ષા ફરીથી આપવી પડશે. 

Panchang

dd