• રવિવાર, 15 માર્ચ, 2026

કચ્છની એસ.ટી. બસોમાં યુપીઆઈથી ટિકિટ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : ભુજ, તા. 14 : ડિજિટલ ગુજરાતના સરકારના પ્રયાસો અને બીજી બાજુ, ટિકિટના કિલોમીટર મુજબના દરોને કારણે મુસાફરોને ટિકિટ લેવા સમયે છૂટા પૈસાની મગજમારીની અવાર-નવાર બનતી ઘટનાઓ વચ્ચે  લાંબા સમયથી રાહ જોવાતી હતી એ કચ્છમાં પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની બસોમાં ઓનલાઇન ચૂકવણું કરવાની સુવિધાનો માર્ચના પ્રથમ સપ્તાહથી આરંભ થઈ ચૂક્યો છે. કચ્છના લગભગ 450 રૂટમાં તબક્કાવાર અમલ થશે, જેમાં પ્રથમ તબક્કામાં એક્સપ્રેસ રૂટ અને ભુજ તાલુકામાં કેટલાક રૂટ પર સેવા અમલી બની છે. નિગમ તરફથી કચ્છને આ એન્ડ્રોઇડ સોફ્ટવેર આધારિત અને યુપીઆઈ સેવાથી ચૂકવણું થઈ શકે તેવા 200 મશીન મળી ચૂક્યા છે. - 250થી વધુ મશીનની નિગમ પાસે માગણી : વિશ્વસનીય વર્તુળોમાંથી મળતી વિગત પ્રમાણે, વધુ 250 મશીન માટે નિગમને માગણી મુકાયેલી જ છે અને એ મળ્યેથી લોકલ રૂટ સહિત આ તમામ રૂટ પર આ `સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન'નો ઉપયોગ શરૂ થઈ જશે. જો કે, ભુજ તાલુકા કેટલાક લોકલ રૂટમાં પણ અમલ શરૂ થઈ ચૂક્યો છે. સમગ્ર કચ્છના લગભગ અડધા રૂટની બસોના કંડક્ટરોને આ નવાં મશીન ફાળવી દેવાયાં છે. - ક્યાં જવું છે એ મુજબ  ક્યુઆર કોડ જનરેટ થશે : આ આધારભૂત વર્તુળોએ વધુમાં કહ્યું કે, કંડકટરને જે ગામે જવાનું છે એ કહેતાં તેનો ખાસ  ક્યુઆર કોડ જનરેટ થશે. એ રૂટ પ્રમાણે જ તેનાં ટિકિટ ભાડાંની રકમ પણ આવી જશે અને મુસાફર પોતાના મોબાઈલથી એ કોડને સ્કેન કરીને ચૂકવણી કરી શકશે. આ માટે કંડક્ટરોને તબક્કાવાર તાલીમ અપાઈ રહી છે. દરેક મશીનમાં રૂટ ફીટ કરાઈ રહ્યા છે. વધુમાં ક્યાંક નેટવર્કમાં ઇસ્યૂ હશે ને નાણાંની ચૂકવણી ફેઈલ થશે તો રિફંડ પણ બેથી દસ દિવસમાં ઓટોમેટિક મળી જશે. જે સીધું મુસાફરનાં ખાતાંમાં જમા થશે. આ રિફંડ પ્રક્રિયા પણ ઓટોમેટિક જ છે. - છૂટા પૈસાની માથાકૂટ મટશે : સમગ્ર ટિકિટ પ્રક્રિયા ભલે ડિજિટલ છે, પણ કોઈ પણ કંડક્ટર માટે સરળ છે. એસ. ટી.ના ઓનલાઇન પોર્ટલ સાથે આ મશીન જોડાયેલા હોવાથી કઈ બસમાં ચોક્કસ સમયે કેટલા મુસાફરો છે, એ સહિતની માહિતીનું મોનિટરિંગ શક્ય બની જશે.  ખાસ કરીને કંડક્ટરોની અને મુસાફરો વચ્ચેની છૂટા પૈસાની લેવડ-દેવડની સમસ્યાનો અંત તેમજ સમયનો બચાવ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2023થી આ પ્રકારના મોલમાં ઉપયોગમાં લેવાય છે એવા મશીનોનો નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ જેવા શહેરથી આરંભ કર્યો હતો. તબક્કાવાર આગળ વધતાં કચ્છમાં પૂર્ણ આગમનની રાહ જોવાતી હતી. નિગમનું લક્ષ્ય છે કે, રાજ્યના તમામ 8500 જેટલા રૂટ પર આ મશીન મુકાઈ જાય. કચ્છમાં અંતરની દૃષ્ટિએ બહુ લાંબા રૂટની બસો ચાલે છે અને નિગમ કમાણી પણ કરે છે.  જો કે, હવે આ સુવિધા શરૂ થઈ ચૂકી છે. 

Panchang

dd