ગાંધીધામ, તા. 14 : અહીંથી રૂા. 43.43 લાખના એસિડનો જથ્થો બેલ્જિયમ મોકલવામાં
રવાના કરાયો હતો. ગાંધીધામ અને મુંદરા વચ્ચે આ જથ્થો સગેવગે કરનારા ત્રણ જણ
સામે ફોજદારી નોંધાઈ હતી. ગોકુલ ઓવરસિઝ કંપનીના એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા તખતસિંહજી બલદેવસિંહજી ચાવડાએ આરોપી હેમંતભાઈ ઠક્કર (સીએચએ), ટ્રક નં. જીજે-39-ટી-1300ના માલિક મનપ્રિતસિંગ ચહલ અને
આ વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આ બનાવ ગત તા. 8/5/25થી તા. 9/5/25ના બન્યો
હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી ટ્રક નં. જીજે-39-ટી-1300માં આઈસો ટેન્ક નંબર : એલ.ઈ.જી.યુ.1225977માં રિસીનોલિક એસિડ 21.780 મેટ્રિક ટન કિં. રૂા. 33,12,890 જથ્થો બેલ્જિયમ મોકલવામાં
આવ્યો હતો. દરમ્યાન ગાંધીધામથી મુંદરા વચ્ચે આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે રિસીનોલિક
એસીડ ટેન્કમાંથી કાઢીને તેમાં પાણી ભરી જથ્થો બેલ્જિયમ મોકલી આપ્યો હતો. ત્રણેય આરોપીએ કરેલાં આ કૃત્યના કારણે
કંપનીને રૂા. 43,43,973 લાખનું નુકસાન પહોંચ્યુ હતું. પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતના
આ મામલમાં વિધિવત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.