ભુજ, તા. 14 : આજે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં
રાષ્ટ્રીય લોકઅદાલત યોજવામાં આવી હતી, જેમાં કુલ 12,917 કેસનો
નિકાલ થયો હતો. આ રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 6771 પ્રિ-લિટિગેશન, સમાધાનલાયક કુલ 1563 અને સ્પેશિયલ મેજિસ્ટ્રિયલ
સીટિંગમાં કુલ 4583 એમ કુલ 12,917 કેસનો નિકાલ કરવામાં આવ્યો
હતો અને કુલ 36.40 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા
હતા. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકનાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ
પી.ની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકામાં તથા ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોકઅદાલત સફળતાપૂર્વક
યોજાઈ હતી. આ લોકઅદાલતને સફળ બનાવવામાં જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક
કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ,
વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાનલાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની
પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહીઓ કરવામાં આવી હતી. આ તબક્કે લોકઅદાલતની
સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ બી. એમ. પ્રજાપતિએ
ન્યાયાલયના કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સ તથા વકીલોનો આભાર
વ્યક્ત કર્યો હતો.