• રવિવાર, 15 માર્ચ, 2026

પીએનજીધારકોને એલપીજી બાટલો નહીં

નવી દિલ્હી, તા. 14 : `મહાયુદ્ધ'ની આગ `ઈંધણવાહક' સમુદ્રી માર્ગ સુધી ફેલાતાં ભારતમાં સર્જાયેલાં ઘરેલુ રાંધણગેસના સંકટને હળવું કરવાની કવાયત કેન્દ્ર સરકાર કરી રહી છે. સરકારે કહ્યું હતું કે, પાઈપલાઈન મારફતે ગેસ મેળવતા પીએનજી જોડાણધારકોને ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર મેળવવાની છૂટ નહીં અપાય. બીજી તરફ, ગેસ સંકટ હળવું થવાનો શુભ સંકેત આપતા ફેંસલામાં સરકારે શનિવારે કોમર્શિયલ (ધંધાદારી હેતુ માટે) ગેસ સિલિન્ડર પર લાગેલી રોક પાંચ દિવસ બાદ હટાવી દીધી હતી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે દેશના 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શનિવારથી જ કોમર્શિયલ સિલિન્ડરનું વિતરણ શરૂ કરી દીધું હતું. મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, સુધારેલા નિયમો હેઠળ સરકારી તેલ કંપનીઓને પહેલાંથી પીએનજી જોડાણ ધરાવતા લોકોને નવાં એલપીજી જોડાણ આપવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથોસાથ પીએનજી (પાઈપલાઈનથી ગેસ) તેમજ એલપીજી (ગેસ સિલિન્ડર)નાં બન્ને જોડાણ ધરાવતા લોકોએ તેમનાં એલપીજી જોડાણ સરકારને પાછાં સોંપી દેવાં પડશે. સિલિન્ડરોના કાળાબજાર અને સંગ્રહખોરી રોકવા માટે દેશભરમાં દરોડાની કાર્યવાહી તેજ કરી દેવાઈ છે. ઘરેલુ રાંધણગેસ ઉપભોકતાએ ગભરાવાની જરૂર નથી, તેવી ધરપત સરકારે આપી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે, નવા નિયમ હેઠળ પીએનજી જોડાણધારકોને ભવિષ્યમાં પણ એલપીજી નહીં મળે. 

Panchang

dd