ભુજ, તા. 14 : આજે બપોરે માંડવી-લાયજા માર્ગે
લાયજા પાસે ઇકો ગાડી ઝાડમાં અથડાતાં 29 વર્ષીય યુવાન ચાલક મુસ્તાક સુલેમાન પિંજારા (રહે. નલિયા)નું
કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે સાથે
સવાર ભીમજી દેવજી મહેશ્વરી (નલિયા)ને ઇજા પહોંચતાં સારવાર તળે ખસેડાયો છે. બીજીતરફ
ભુજ તાલુકાના ડગાળાની ફેક્ટરીમાં રાજસ્થાનના 27 વર્ષીય યુવાન શ્રમિક ઓમપ્રકાશ
મેહરારામ જાટે અને લખપત તાલુકાના ઘડુલીમાં પરપ્રાંતીય 17 વર્ષીય કિશોરી પ્રિયાંશીકુમારી
દિનેશભાઇ મુનિયાએ ગળેફાંસા ખાઇ આપઘાત કરી લીધા હતા. આજે બપોરના ભાગે નલિયાના બે યુવાન
ઇકો ગાડી લઇ માંડવી-લાયજા માર્ગેથી પસાર થઇ રહ્યા હતા અને લાયજાથી આગળ પહોંચતાં ચાલક મુસ્તાકે સ્ટીયરિંગ પરથી
કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ
હતી. આ અકસ્માતના પગલે માર્ગ પરના રાહદારીઓ અને આસપાસથી લોકો આવી પહોંચી ઘાયલ યુવાનોને
મદદરૂપ થયા હતા. એમ્બ્યુલન્સ મારફત બંને યુવાનને સારવાર અર્થે માંડવી ખસેડાયા હતા, જેમાં મુસ્તાકનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ થયું
હતું, જ્યારે સાથેના ભીમજી મહેશ્વરીને સારવાર તળે રખાયાનું માંડવી
પોલીસે પ્રાથમિક વિગતોમાં જણાવ્યું છે. બીજીતરફ ભુજ તાલુકાના ડગાળા ગામની અમિટી સિલિકા
ફેક્ટરીની કોલોનીમાં રહેતો મૂળ રાજસ્થાન બાજુનો 27 વર્ષીય શ્રમિક એવો ઓમપ્રકાશ
દારૂ પીવાની ટેવવાળો હોઇ નશાની હાલતમાં કોઇ અગમ્ય કારણોસર ગઇકાલે તા. 13/3ના બપોરે પોતાની ઓરડીમાં લોખંડની
આડી પર રબર બેલ્ટ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસ મથકે મૃતકના ભાઇ ચેતનરામે
વિગતો જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત
લખપત તાલુકાના ઘડુલીમાં દૂધની ડેરી પાસે રહેતા મૂળ દાહોદ બાજુના દિનેશભાઇ રામાભાઇ મુનિયાની
17 વર્ષની દીકરી પ્રિયાંશીકુમારીએ
ગઇકાલે બપોરે કોઇ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી
લીધાની વિગતો દયાપર પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.