• રવિવાર, 15 માર્ચ, 2026

દેશનું ગેસ સંકટ કચ્છમાંથી હળવું થશે

નવીદિલ્હી, તા.14 : યુદ્ધનાં કારણે ઘેરાયેલાં ગેસ સંકટનાં વાદળો વચ્ચે ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની છૂટ આપ્યા બાદ શિવાલિક અને નંદાદેવી નામના બે ભારતીય જહાજ હોર્મુઝમાંથી સલામત રીતે પસાર થઈ ગયા છે અને ભારત ભણી આગળ વધી રહ્યાં છે. આ બન્ને જહાજો 92700 મેટ્રિક ટન ગેસ લઈને આવી રહ્યા છે. તા. 16 અને 17મી માર્ચે આ જહાજો ગુજરાતમાં મુંદ્રા અને કંડલા બંદરે આવી પહોંચશે. શિપિંગ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લાં 24 કલાકમાં 30 ભારતીય ખલાસીને સફળતાપૂર્વક ભારત લાવવામાં આવ્યા છે. આ દરમિયાન એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, એલપીજી કેરિયરને બંદર ઉપર પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં 6 એલપીજી કેરિયર જહાજ દુનિયાના અન્ય હિસ્સાથી ભારત આવી પહોંચ્યા છે અને બંદરો ઉપર તેને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ ઉપરાંત કાળાબજારને ડામવા માટે વિશેષ સંયુક્ત ટીમો પણ બનાવવામાં આવી છે. દેશમાં ગેસનાં સંકટની સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, વાહનો માટે અને ઘરેલું પીએનજી-સીએનજીનો પુરવઠો કોઈપણ પ્રકારનાં કાપ વિના ઉપલબ્ધ બનતો રહેશે જ્યારે ચા ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ યુનિટ, ગેસ ગ્રિડ સાથે જોડાયેલા અન્ય ઔદ્યોગિક વપરાશકારોને છ માસની એવરેજ સપ્લાયના આશરે 80 ટકા જેટલો ગેસ આપવામાં આવશે. જેથી પ્રાથમિકતાવાળાં ક્ષેત્રોને આ સ્થિતિમાં બચાવી રાખી શકાય. દરમિયાન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, આ યુદ્ધ શરૂ થયા બાદથી ભારત સતત સંવાદ અને તનાવ ઘટાડવાની અપીલ કરતું આવ્યું છે. ભારતની પ્રાથમિકતાઓ ઉપર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, સામાન અને ઊર્જાનો પુરવઠો નિરંતર રહેવો જોઈએ. 

Panchang

dd