• રવિવાર, 15 માર્ચ, 2026

વરસાદી નાળાંની સફાઈ પાછળ નવ મહિનામાં 94.24 લાખનો ખર્ચ

ગાંધીધામ, તા. 14 : ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્રે 1 એપ્રિલ 2025થી લઈને 31 ડિસેમ્બર 2025 દરમિયાન એટલે કે નવ મહિનામાં વરસાદી નાળાંઓની સફાઈ પાછળ બજેટ હેડ કરતા 14.24 લાખ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા છે છતાં વરસાદી નાળાંઓ ગંદકીથી ખદબદી રહ્યા છે. પાલિકા એજન્સીને અધધધ રૂપિયાના ચૂકવણા પછી ભાડાનાં વાહનો રાખીને સફાઈ અભિયાન દરમિયાન વરસાદી નાળાંઓને સફાઈ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે આ મામલામાં તપાસ કરવી જોઈએ એવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકાનાં વર્ષ 2025/26નાં બજેટમાં વરસાદી પાણીના નિકાલ અને નાળાં સફાઈ તેમજ મરંમત પાછળ 80 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, જ્યારે વરસાદી પાણીનાં નાળાંના વિકાસ અને વિસ્તરણ પાછળ એક લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. કુલ 90 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, તેની સામે 1 એપ્રિલ 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન નવ મહિના દરમિયાન જ વરસાદી પાણીના નિકાલ તથા નાળાં સફાઈ અને મરંમત પાછળ 94,24,517 રૂપિયા ખર્ચી નાખ્યા છે, જેનો બજેટમાં 80 લાખના ખર્ચની જ જોગવાઈ હતી તેની સામે 94.24 લાખ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે. એટલે કે બજેટ હેડ કરતા 14.24 લાખ રૂપિયા વધુ ખર્ચવામાં આવ્યા છે, જ્યારે વરસાદી પાણીનાં નાળાંના વિકાસ અને વિસ્તરણ પાછળ નવ મહિના દરમિયાન એક પણ રૂપિયો ખર્ચવામાં આવ્યો નથી.  નાળાં સફાઈ પાછળ આટલો બધો વ્યાપક ખર્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પણ વરસાદમાં જોડિયા શહેરો જળબંબાકાર થયાં હતાં. લગભગ એજન્સીને 350 રૂપિયા રાનિંગ મીટર નાળાં સફાઇની કામગીરી આપવામાં આવી હતી. મે મહિનાના અંતમાં નાળાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વ્યાપક રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે, વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાના બદલે તત્કાલીન સમયે જરૂરિયાત મુજબની કામગીરીના કોન્ટ્રાક્ટ આપવા જરૂરી છે. વાર્ષિક કોન્ટ્રાક્ટમાં અનેક સમસ્યાઓ આવે છે, તેવું જાણકારો કહી રહ્યા છે. નાળાં સફાઈના આ ખર્ચની સમીક્ષા થવી જોઈએ તેવી માંગ શહેરના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. - કોલેજ રોડનાં નાળાંની સફાઈના દાવા વચ્ચે ઘાસ ઊગી નીકળ્યું હતું  : આદિપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની કચેરીની સામે કોલેજ રોડનાં નાળાંની સફાઈ કરવામાં આવી હતી, તેવા દાવા વચ્ચે ઘાસ ઊગી નીકળ્યું હતું, જેનાં પગલે નાળાં સફાઈ કરાઈ હતી કે નહીં તે બાબતે પણ સવાલો ઉઠયા હતા. જો નાળાં સફાઈ કરવામાં આવી હતી, તો ક્યા પ્રકારની સફાઈ કરાઈ હતી કે જેથી તુરંત પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતું ઘાસ ઊગી નીકળ્યું હતું. લોકો આ નાળાંને ધ્યાને લઈને નાળાં સફાઈમાં મજાક કરાઈ હોવાનું કહી રહ્યા હતા. ખરેખર વ્યાપક ખર્ચ થયો છે કમિશનર દ્વારા તપાસ થાય તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે.  

Panchang

dd