ભુજ, તા. 14 : છેલ્લી ત્રણ પેઢીથી નખત્રાણા
પંથકના ખેડૂતો પાસેથી ખેતપેદાશો લઇને વેપાર કરતી વર્ષ જૂની પેઢીએ ખેડૂતોની ખેતપેદાશોના
કરોડો રૂપિયા ચાંઉ કરી દેતા આ પેઢી સામે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરતો આવેદનપત્ર
ખેડૂતોએ આપ્યો છે. નખત્રાણા પોલીસે વિભાગ તથા જિલ્લા કલેક્ટર કચેરીએ 40થી વધુ ખેડૂતોએ સહી સાથે આપેલા આ આવેદનપત્રમાં
જણાવ્યું છે કે, નખત્રાણા દેશલપર (ગું.)
હાલે નખત્રાણા રહેતા કનૈયાલાલ વિઠ્ઠલદાસ બારૂ (ઠક્કર) તેમના ભાઇ હિતેશકુમાર અને પુત્ર
સાવન તથા વિરલ જમનાદાસ બારૂ (ઠક્કર) એમ ચારે ઠા. વેલજી વિઠ્ઠલદાસ નામની જનરલ મરચન્ટ
એન્ડ કમિશન એજન્ટ તેમજ રમા એન્ટરપ્રાઇઝ તથા નખત્રાણામાં રમા ટેલિકોમ એન્ડ ઇલેકટ્રોનિક્સની
વેપારી પેઢી ધરાવે છે. આ પેઢી છેલ્લી ત્રણ પેઢીથી ખેત-પેદાશોના વેપાર-વ્યવસાય કરી રહ્યા
છે. ઐયર, આમારા, જૂની-નવી ધામાય,
મુરુ, નાગવીરી, ઉગેડી,
રતડિયા, જીંજાય જેવા આજુબાજુના અનેક ગામના ખેડૂતો
તેમની ખેતપેદાશો જેવી કે એરંડા, રાયડો, મગફળી, ગુવાર, ઘઉં, મગ, તલ જેવી જણસોનો વેચાણનો વેપાર કરે છે. આ વેપારીઓ
ખેડૂતનો એડવાન્સ માલ ખરીદી કરી માલ ભરી જતા ત્યારબાદ જ્યારે તે ખેડૂતને રૂપિયાની જરૂરત
પડે ત્યારે તે સમયના ભાવ બજાર કિંમત મુજબ સોદો કરી આપી દેતા, પરંતુ હાલ ખેતપેદાશોના નાણા ખેડૂતોએ માંગતા આ વેપારીઓએ જણાવ્યું કે,
અમે જમીન ખરીદી છે, જેનો પેમેન્ટ કરવાનો હોવાથી
બાદમાં જરૂર હશે ત્યારે ભાવવધારા સાથે રકમ ચૂકવી આપશું તેવા વાયદા કર્યા. હવે રકમ પરત
આપતા નથી. હિતેશકુમારે ખેડૂતોના નાણાં ચાંઉ કરી તે રકમથી ખરીદેલી મિલકત પોતાના પરિજનોના
નામે તબદિલ કરી નાખી છે. અને તેઓ ધંધામાં તૂટી પડયા છે તેવું જણાવે છે. ખેડૂતોના કરોડો
રૂપિયા આ પેઢી ચાંઉ કરી જતા કિસાનો મુશ્કેલીમાં મુકાયાનું આવેદનપત્રમાં જણાવી ખેડૂતોને
ન્યાય મળે અને તેઓની મિલકત જપ્ત કરી અમારા બાકી લેણાના ચૂકવણા કરવામાં આવે તેવી માંગ
કરી છે.