ભુજ, તા. 14 : મીટર પ્રમાણેનાં વ્યાજનાં વિષચક્રમાં
ફસાઇ ગયેલા ભુજના 43 વર્ષીય આધેડ
ઉમર જુસબ લાખાએ દોઢ માસ પૂર્વે ગળેફાંસો ખાઇ જીવ દીધાના બનાવમાં મરવા મજબૂર કરવા અંગે
ત્રણ શખ્સ વિરુદ્ધ તેના પુત્રે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આજે બી-ડિવિઝન પોલીસ મથકે
સાજીદ ઉમર લાખા (રહે. આઝાદ ચોક, ભીડ નાકા
બહાર, ભુજ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પિતા ઉમર છેલ્લા વીસેક
વર્ષથી શકીનાબેન કેવરના ઘરે કામ કરતા હતા. ગત તા. 28/1ના ત્યાં ગળેફાંસો ખાઇ આપઘાત
કરી લીધો હતો. ફરિયાદીને તેના પિતા ઉમરે જણાવ્યું હતું કે, તે જુગારમાં હારી ગયા હોવાથી રૂપિયાની જરૂર
પડતાં ધર્મેશ ઉર્ફે ધમભા જોગી, ઇમરાન ઉર્ફે ઇલો સમા અને ખલીલ
ઉર્ફે લાલી અંસારી (રહે. ત્રણે ભુજ) પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને મીટર પ્રમાણે
વ્યાજ ચૂકવતા હતા. હાલ વ્યાજ સહિત 10 લાખ જેટલું લેણું થઇ ગયું છે,
જે ધર્મેશને આપવાના થાય છે, જે ઘણું દબાણ કરે છે.
તારી પાસે રૂપિયાનું સેટિંગ થાય તો કરી આપ. આથી પરિવારના દાગીના, કુટુંબીઓ પાસેથી તેમજ બચતના નાણાં ભેગા કરી 8.35 લાખ ધર્મેશને આપ્યા હતા. આ
ત્રણે વ્યાજખોરની પઠાણી ઊઘરાણીથી ત્રાસીને ફરિયાદીના પિતા ઉમરે આપઘાત કર્યાનું ફરિયાદમાં
લખાવ્યું છે.