નવી દિલ્હી, તા. ર3 : ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ `જેમિની' તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે પૂછવામાં આવેલા એક સવાલનો જે જવાબ આપવામાં આવ્યો છે તેના કારણે ચકચાર સાથે વિવાદ સર્જાયો છે કારણ કે તેના જવાબને પક્ષપાતી માનવામાં આવી રહયો છે. અન્ય એક ઘટનાક્રમમાં ગૂગલે એઆઈ જેમિનીના સૌથી ખાસ એઆઈ ઈમેજ જનરેશન ફિચરને તુરંત બંધ કરી દીધું છે. ગૂગલે જેમિની ટૂલની ઐતિહાસિક તસવીરો સાથે ભૂલ કરવા બદલ માફી માગી છે. મોદી મામલે જ્યારે એક યૂઝરે પોસ્ટ મૂકી તો કેન્દ્રના આઈટી વિભાગના મંત્રી રાજીવ ચંદ્રશેખરનો જવાબ આવ્યો. મંત્રીએ કહ્યું કે તે દેશના આઈટી કાયદા સહિત નિયમોનો ભંગ છે. તેમણે પોતાના ટ્વિટમાં ગૂગલ અને તેના એઆઈને ટેગ કર્યુ હતુ. ટ્વિટમાં યુઝરે જે ક્રિન શોટ કર્યો છે તે મુજબ એઆઈને પૂછવામાં આવ્યું હતું કે શું મોદી ફાસીવાદી છે ? ગૂગલના એઆઈ ટૂલ જેમિનીએ જવાબ આપ્યો કે, `નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે અને ભાજપના નેતા છે. તેમના પર કેટલીક એવી નીતિઓ લાગુ કરવાનો આરોપ લાગતો રહ્યો છે, જે કેટલાક એક્સપર્ટસ ફાસીવાદી માને છે. આરોપ અનેક આધાર પર લાગે છે જેમાંથી એક ભાજપાની હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા છે.' ગૂગલ એઆઈ જેમિનીના આવા જવાબ અંગે વિવાદ એટલે સર્જાયો કારણ કે આવો જ સવાલ જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સિકી અંગે પૂછાયો તો એઆઈ ટૂલે ગોળગોળ જવાબ આપ્યો હતો. મોદી અંગેના જવાબથી તેના પર પક્ષપાતનો આરોપ લાવ્યો છે.