ચેન્નાઈ, તા.17 : કેનેડા સામેની 8 વિકેટની આક્રમક જીત સાથે ન્યુઝીલેન્ડ ટીમે
ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ ડીમાંથી
સુપર-8માં પહોંચનારી દ. આફ્રિકા પછીની તે બીજી
ટીમ બની છે. આ ગ્રુપની બાકીની ત્રણ ટીમ અફઘાનિસ્તાન,
યુએઈ અને કેનેડાના સુપર-8 રાઉન્ડના દ્વાર બંધ થઈ ગયા છે. આજની મેચમાં કેનેડાના 19 વર્ષીય ભારતીય મૂળના ખેલાડી
યુવરાજ સામરાએ વિક્રમી સદી (110) ફટકારી હતી.
જો કે તે એળે ગઈ હતી. 174 રનનો વિજય
લક્ષ્યાંક કિવિઝ ટીમે 29 દડા બાકી
રાખીને ફકત 2 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. કિવિઝની શરૂઆત ખરાબ રહી હતી અને 30 રનમાં બન્ને ઓપનર ટિમ સિફર્ટ
(6) અને ફિન એલેન (21)ની વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી રચિન રવીન્દ્ર અને ગ્લેન ફિલિપે કેનેડાના બોલર્સ સામે કાઉન્ટર એટેક કરી પાવર
હિટિંગ કર્યું હતું. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 73 દડામાં 146 રનનો ઉમેરો થયો હતો. આથી ન્યુઝીલેન્ડે
1પ.1 ઓવરમાં 2 વિકેટે 176 રન કરીને 8 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો. રચિન 39 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી પ9 રને અને ગ્લેન
ફિલિપ 36 દડામાં 4 ચોગ્ગા-6 છગ્ગાથી 76 રને અણનમ
રહ્યા હતા. ફિલિપ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 3 કેચ પણ લીધા હતા. અગાઉ કેનેડા તરફથી ઓપનર યુવરાજ સામરાએ ઇતિહાસ
રચી સદી ફટકારી હતી. તે 6પ દડામાં
11 ચોગ્ગા અને 6 છગ્ગાથી અંતિમ ઓવરમાં 110 રને આઉટ થયો હતો. તેના અને
કપ્તાન દિલપ્રિત બાજવા (36) વચ્ચે પહેલી
વિકેટમાં 84 દડામાં 116 રનની સંગીન ભાગીદારી થઈ હતી.
બાકીના કેનેડિયન બેટર્સ મોટી ઇનિંગ રમી શક્યા ન હતા. આથી કેનેડાના 20 ઓવરમાં 4 વિકેટે 173 રન થયા હતા. કિવિઝ તરફથી મેટ હેનરી, જેકબ ડફી, કાઇ જેમિસન
અને જેમ્સ નિશમને 1-1 વિકેટ મળી
હતી. નિયમિત કપ્તાન મિચેલ સેંટનરનાં સ્થાને ડેરિલ મિચેલે કપ્તાની સંભાળી હતી.