• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

હું રાહુલવાદી નથી : ઐય્યર

નવી દિલ્હી, તા. 16 : હું ગાંધીવાદી, નેહરુવાદી અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી. રાહુલ ભૂલી જ ગયા છે કે, હું પણ પક્ષનો સભ્ય છું, તેવું વિવાદિત નિવેદનો માટે ચર્ચિત કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે કહ્યું હતું. આ સાથે જ ઐય્યરે કેસી વેણુગોપાલ અને પવન ખેડા પર પણ પ્રહાર કર્યા હતા. આ સાથે જ તેમણે કેરળમાં પિનરાઈ વિજયનને ફરીથી સત્તા મળશે તેવી આગાહી પણ કરી હતી. કોંગ્રેસ નેતાની ટિપ્પણીથી ખુદ કોંગ્રેસ પક્ષ જ ક્ષોઁભમાં મુકાતાં કોંગ્રેસે ઐય્યરના નિવેદન સાથે છેડો ફાડયો હતો અને તે ઐય્યરનું અંગત નિવેદન છે તેમ જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, ઐય્યરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, હું ગાંધીવાદી, નેહરુવાદી અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી. તેઓ તો ભૂલી જ ગયા છે કે, હું પક્ષનો સભ્ય છું. આજે કેસી વેણુગોપાલને મોટી જવાબદારી સોંપાઈ છે, તો પવન ખેડા જેવી વ્યક્તિને પક્ષનો સત્તાવાર પ્રવક્તા બનાવાઈ છે. પક્ષ આટલી હદે મૂર્ખતા કેવી રીતે કરી શકે છે. ખેડા માત્ર કઠપૂતળી છે. ઐય્યરે વધુમાં કહ્યું હતું કે, શું કોઈ કલ્પના કરી શકે છે કે, આજે કોંગ્રેસની હાલત શું છે ? આ સાથે જ તેમણે કેરળ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને ફરી સત્તા મળશે તેવી આગાહી કરતાં જણાવ્યું હતું કે, એક કોંગ્રેસ નેતા તરીકે હું ઈચ્છીશ કે, યુડીએફની જીત થાય, પણ એક ગાંધીવાદી તરીકે કહીશ કે, પિનરાઈ વિજયન ફરીથી સત્તામાં આવે. તેમના કામને લોકો પસંદ કરે છે. તમે વિચારો કે, એવા પક્ષને કોણ મત આપશે, જેમાં નેતાઓ એકબીજા સાથે જ ઝઘડતા હોય, એકબીજાના ગળા કાપવા તૈયાર હોય. જો કે, ઐય્યરની આ આગાહી સાથે છેડો ફાડતાં કોંગ્રેસ પક્ષે તેમનું અંગત નિદેવન હોવાનું કહ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે, મણિશંકર ઐય્યર છેલ્લા થોડા વર્ષોથી પક્ષ સાથે સંઘર્ષમાં રહ્યા નથી. તેઓ પોતાની ક્ષમતા પર જ બોલે છે અને લખે છે, તો કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, કેરળની જનતા વધુ જવાબદાર શાસન માટે યુડીએફને ફરી સત્તા સોંપશે.

Panchang

dd