દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 17 : શહેર, પંથક પરિવહનને આસાન બનાવવા અને ત્રાસદાયક `ટ્રાફિકજામ'ની હૈયાવરાળને ઠારવા માટે નિર્માણાધીન આશ્રમથી
કાઠડા ત્રિભેટા આગળ નલિયા રોડને જોડતો બાયપાસ વિના વિલંબે સાકાર કરવા નેશનલ હાઈવે ઓથોરિટીએ
હવે સમયરેખા નિશ્ચિત કરી લાઈનદોરી ખેંચી દીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
કાર્યરત બે ટીમ ઉપરાંત વધારાની બે ટીમ જોતરીને 30મી જૂનની ડેડલાઈન સૂચવી દેવાઈ છે. બાયપાસ
કાર્યરત થઈ જતાં માલવાહક અતિ ભારેવાહનો ઉપરાંત અબડાસા તરફનો વાહનવ્યહાર શહેરને ભેદ્યા
વિના પસાર થઈ જતાં ત્રાસદાયક `ટ્રાફિકજામ'થી શિરોવેદનામાંથી ગણનાપાત્ર છુટકારો મળશે,
એવી આશા બંધાઈ છે. અત્રે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તંત્રના મદદનીશ ઈજનેર સૌરભભાઈ
પટેલે `કચ્છમિત્ર' સાથેના પ્રતિભાવમાં આપેલી જાણકારી પ્રમાણે તાજેતરમાં
ગાંધીનગર ખાતે નેશનલ હાઈવેના રિજિયોનલ ઓફિસર વિનય બંસલની અધ્યક્ષતા અને મૂલ્યાંકનમાં
મળેલી મહત્ત્વની બેઠકમાં કાર્યપ્રગતિની ઝીણવટભરી ચર્ચા અંતે મહત્ત્વની સૂચના અપાઈ હતી.
એ અંતર્ગત અપાયેલી જાણકારી મુજબ પુલના કામમાં ગડર કાર્ય માટે બે ટીમ કાર્યરત છે,
તેમાં વધુ બે ટીમ ઉતારીને નિર્ધારિત સમયમાં કાર્ય પૂર્ણ કરી દેવાશે.
ગડર, સ્લેબ કામગીરી ધમધોકાર જારી છે. પુલની આગળ પાછળ માટી કામ
ચાલુ છે. એપ્રિલ અંત અગાઉ રોડની કામગીરી સંપન્ન થઈ જશે. કોઈ પણ સંજોગોમાં ચોમાસાં પહેલાં
બાયપાસ સાકાર થઈ જાયે તેવી સૂચનાત્મક જાણથી સંબંધિતોને વાકેફ કરાયા છે. બેઠકમાં ગાંધીધામ
ખાતેના તંત્રના કાર્યપાલક ઈજનેર, કોન્ટ્રાકટર નીરજ સિમેન્ટ કંપનીના
પ્રતિનિધિઓ વગેરે સાથે `િરવ્યૂ' મિટિંગ યોજાઈ હતી. શ્રી બંચલ નેશનલ હાઈવે ઓથોરિટીના
ગુજરાત સર્વોચ્ય અધિકારી છે. મેજર અને માઈનોર બ્રિજના ફાઉન્ડેશન તથા સબ સ્ટ્રક્ચરલ
કામગીરી પૂર્ણ થઈ છે. બ્રિજનો સુપર સ્ટ્રક્ચરલ કામગીરી વેગીલી બનાવી દેવાઈ છે,
જેમાં હવે વધુ વિલંબનો અવકાશ નહીં રહે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.
બાયપાસ રોડ એપ્રિલ અંત અગાઉ પાકો બનાવી લેવાશે. સિમેન્ટ ઉદ્યોગ, પવનચક્કીઓના પૂર્જા વગેરેના પરિવહન માટે મહાકાય મોટા માલવાહકો ટ્રાફિકજામ માટે
મહદઅંશે નિમિત્ત બની રહ્યા છે. પ્રવાસન વિકાસ સંબંધી બહારથી આવતાં વાહનો ઉપરાંત તાલુકા
પંથકમાં વધેલી યાતાયાતે ટ્રાફિક સમસ્યાને વધુ વકરાવી હોવાથી સ્થાનિકો પણ ત્રાસેલા છે.
અપાતી વિગતો પ્રમાણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આ સમસ્યા નિવારવા વખતોવખત સક્ષમ સ્થળે
`લાયઝનિંગ' કરી રહ્યા છે. બીજી બાજુ કાલ્પનિક નકારાત્મક
પ્રચાર પણ ધીરજની કસોટી કરી રહ્યો હોવાથી `ડેસાં ત વેસાં'નો સૂર સંભળાયો છે.