કોલંબોમાં
ટી-ટવેન્ટી વિશ્વકપની ગ્રુપ મેચમાં ભારત સામે સજ્જડ પરાજય ખમ્યા પછી પાકિસ્તાની ક્રિકેટ
સદમામાં છે, તો તેના લાખો ચાહકો માતમ મનાવતાં સરકારને કોસી રહ્યા છે કે,
ભારત સામેની મેચનો બહિષ્કાર પાછો ખેંચવાની કોઇ જરૂર જ નહોતી. ભારત સામે
તમામ મોરચે તેજોદ્વેષથી પીડાઇ રહેલાં પાકિસ્તાનને હકીકતમાં તેની નકારાત્મકતા જ આડી
આવી રહી છે. અતિ હાઇપ્રોફાઇલ મેચમાં ટોસ જીત્યા પછી પહેલાં બોલિંગ કરવાનો ખોટો નિર્ણય
લીધો. કદાચ તેના કપ્તાન સલમાન આગાને અતિઆત્મવિશ્વાસ હતો કે, ગમે
તેવું ટાર્ગેટ અમે પહોંચી વળીશું. ક્રિકેટ મેદાનમાં ભારત-પાકિસ્તાનની ટક્કરનો ઇતિહાસ
તેણે જાણી લેવાની જરૂર હતી. અનેક પ્રસંગોએ 50 ઓવરની
મેચમાંય સવાસો-દોઢસોના મામૂલી લક્ષ્યને ભારતે ડિફેન્ડ કર્યું છે ને જીત મેળવી છે. એશિયા
ઉપખંડની આ બે ટીમ મેદાનમાં સામસામે હોય ત્યો ભારતનો જુસ્સો સાતમા આસમાને પહોંચતો હોય
છે. 61 રને ભવ્ય જીત સાથે ટીમ ઇન્ડિયાએ
સુપરએઇટ ગ્રુપમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાન માટે પણ હજુ દરવાજો ખુલ્લો છે. સૂર્યકુમાર
યાદવની ટીમની જીત માટે મહાશિવરાત્રિના દિવસે કરોડો ભારતીયોએ પ્રાર્થના કરી હતી એ ખરું, પણ નિર્ધારિત પરિણામ પ્રાપ્ત કરવા માટે લડવું પડતું હોય છે. અભિષેક શર્મા પહેલા
દડામાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછો ફર્યો તેમ છતાં ઇશાન કિશન અને તિલક વર્માએ
બીજી વિકેટની ભાગીદારીમાં 87 રનની
ઝડપી ભાગીદારી કરી જે નિર્ણાયક પુરવાર થઇ. એ પછી ઝડપી બોલરો, સ્પિનરોએ કમાલ કરી, આપણા ફિલ્ડરોએ દરેક તકને ઝડપી લઈને
પાક બેટધરોને એક પછી એક પેવેલિયન ભેગા કરી દીધા. સિંહાલી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખૂબ મોટું
છે. સ્લો ટર્ફને લીધે સિક્સર મારવી જોખમભર્યું બની રહે છે. પાકિસ્તાને રણનીતિ જુદી
બનાવી હતી. છ સ્પિનર પાસે બોલિંગ કરાવીને ભારતના નૈસર્ગિક ફટકાબાજોને બાંધી રાખવામાં
સફળતા જરૂર મેળવી, પણ બંને ટીમ વચ્ચે ઇશાન કિશનના તોફાની 77 રન મોટો તફાવત હતો. આ મેચનાં પરિણામ પછી બંને ટીમે
આત્મમંથનની જરૂર છે. પાકિસ્તાને સુપરએઇટમાં ક્વોલીફાય થવા નામીબિયા સામે જીતવું પડશે.
ભારતનું હવે પછીનું લક્ષ્ય વિશ્વકપ જ હોવાનું. અતિઆત્મવિશ્વાસમાં આવ્યા વિના એ માટેની
રણનીતિ અમલમાં મૂકવી રહી. સુપરએઇટ રાઉન્ડ છઠ્ઠા કોઠા જેવો છે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, દ. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા
એ બધી ધરખમ ટીમો છે. ફાઇનલ કે વર્લ્ડકપ જીતનું સપનું જોવા પહેલાં એમાંથી સાંગોપાંગ-મજબૂતાઇ
સાથે પાર ઊતરવાનું છે. સૂર્યસેનાનું ઉત્કૃષ્ટ ફોર્મ જોતાં મુશ્કેલ ન લાગવું જોઇએ.