• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં પાણી વિસ્તરણ માટે 150 કરોડ ખર્ચાયા પણ...

ગાંધીધામ, તા. 17 : શિયાળાની ઋતુમાં જ્યારે પાણીની ઓછી જરૂરિયાત હોય છે તેવા સમયે 31 કરોડથી વધુની અમૃત યોજના હેઠળ લાઈન નાંખનારી એજન્સી અને 120 કરોડથી આસપાસના નલ સે જલ પ્રકલ્પ હેઠળ ટાંકાઓ બનાવનારી અને લાઈનો નાંખનારી જીયુડીસી સહિતની આરામ ફરમાવતી એજન્સીઓ ઉનાળો શરૂ થતાંની સાથે અચાનક જાગૃત થઇ છે અને લાઈનોનાં પરીક્ષણ શરૂ કરતાં વ્યાપક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.  ગાંધીધામને છેલ્લા 15 દિવસથી માત્ર 20 થી 22 એમએલડી જ પાણી મળી રહ્યું છે. ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે. પીવાના પાણીની જરૂરિયાત વધી છે. તેવા જ સમયે ટપ્પર અને વરસામેડીથી પાણી સાવ ઓછું આવતા હાડમારી શરૂ થઈ છે. અનેક વિસ્તારો બુંદ બુંદ પાણી માટે તરસી રહ્યા છે.  તેવા સમયે માર્ગો ઉપર પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.  9/બી ના ટાંકામાંથી જીયુડીસી લાઈનોનું પરીક્ષણ કરતાં અનેક જગ્યાએ લીકેજો હોવાનું સામે આવ્યું હતું. માર્ગો ઉપર વ્યાપક પાણીનો  વેડફાટ થતા તુરંત સપ્લાય બંધ કરી હતી, પરંતુ ભારત નગરમાં માર્ગો ઉપર દુષિત અને આ બંને પાણી એક સાથે મિશ્રણ થતાં લોકોને, વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  એક બાજુ માર્ગોનાં કામ શરૂ છે અને બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તે વચ્ચે સ્કૂલનાં બાળકોને તેમાંથી પગપાળા જવાની ફરજ પડી હતી. એજન્સીઓની કામગીરી ઉપર નજર રાખવા માટે શૂન્યવકાશ છે. 31 કરોડની અમૃત યોજના બહુ વહેલી પૂરી કરી નાખી છે, પણ તેમાંથી હજુ સુધી લોકોને પાણી મળતું નથી. વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો છે, પરંતુ તેની તપાસ થતી નથી. તો બીજી તરફ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની જીયુડીસી ઉપર મહાનગરપાલિકાનું કોઈ નિયંત્રણ નથી. સીધી સરકારમાં ઘા નાખવી પડે તેવી સ્થિતિ છે. કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે, પણ કામગીરી યોગ્ય રીતે થઈ ન હોવાના આક્ષેપો છે. 150 કરોડથી વધુના ખર્ચે પાણીનું નેટવર્ક ઊભું કરાયું છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે, હજુ પણ લોકોનાં ઘરનાં નળમાં જળ આવતું નથી. ખરેખર રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે એજન્સી નીમીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે. 

Panchang

dd