મુંબઇ, તા. 17 : નેપાળ ટીમે ટી-20 વિશ્વકપમાં તેની પહેલી જીતનો
સ્વાદ ચાખ્યો છે. ગ્રુપ સીની અંતિમ મેચમાં સ્કોટલેન્ડ સામે નેપાળનો ચાર દડા બાકી રહેતા
સાત વિકેટે રોમાંચક વિજય થયો હતો. આ જીત સાથે નેપાળે વિશ્વ કપની વિદાય લીધી છે. 171 રનનો વિજય લક્ષ્યાંક નેપાળે
19.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હાંસલ
કરી લીધો હતો. દીપેન્દ્ર ઐરીએ 23 દડામાં અણનમ
પ0 અને ગુલશન ઝાએ અણનમ 24 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે
36 દડામાં 73 રનની મેચ વિનિંગ ભાગીદારી થઇ
હતી. કુશલ ભુર્તેલે 43 અને આસિફ
શેખે 33 રન કર્યા હતા. અગાઉ સ્કોટલેન્ડે
20 ઓવરમાં સાત વિકેટે 170 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો
હતો. સ્કોટલેન્ડ તરફથી ઓપનર માઇકલ જોંસે 4પ દડામાં આઠ ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 71 રનની સર્વાધિક
ઈનિંગ રમી હતી. જોર્જ મંસીએ 27 રન કર્યા
હતા. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 80 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. આ સિવાય બ્રેંડન મેકમલેને 2પ રનનું યોગદાન આપ્યું હતું. નેપાળ તરફથી
સોમપાલ કામીએ ત્રણ અને નંદન યાદવે બે વિકેટ લીધી હતી.