અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ડિસેમ્બર-2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી
યોજાવાની છે ત્યારે તેના 22 મહિના અગાઉ
18મી, ફેબ્રુઆરી-2026ના બુધવારે
વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27 માટે ગુજરાત સરકારનું વાર્ષિક બજેટ રજૂ કરશે. જેનું કુલ કદ રૂા.
4 લાખ કરોડને પાર કરે તેવી શક્યતાઓ અંકાઈ
રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાઓ
અને એક નવો જિલ્લો જાહેર કર્યો છે. એવી જ રીતે 2030માં અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે ત્યારે સ્પષ્ટપણે
વર્તાય છે કે, આ વખતના બજેટમાં આ માટે
ખાસ પેકેજની જાહેર કરાય ઉપરાંત નવા ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ ખાસ કેન્દ્રમાં રખાય તેવી
સંભવાનાઓ છે. કેન્દ્ર સરકારે તેના બજેટમાં જે નવી જાહેરાતો કરી છે, તેના અનુસંધાને ગુજરાત સરકાર પણ નવી-નવી યોજનાઓ જાહેર કરી શકે છે. શિક્ષણ,
આરોગ્ય, શહેરી વિકાસ વિભાગ, કૃષિ, મહેસુલ, રમતગમત, ઉર્જા-પેટ્રો કેમિકલ્સ સહિતના વિભાગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. મહિલાઓ-યુવાનો,
ખેડૂતો, આદિવાસી- અનુસૂચિત જાતિ, ઓબીસીને સપણ આકર્ષવા ખાસ પ્રયત્ન કરાશે.
ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે કુલ રૂા. 3.70 લાખ કરોડનું બજેટ વિધાનસભામાં
રજૂ કર્યું હતું. જાન્યુઆરી-2026 સુધીના 10 મહિના દરમ્યાન આ બજેટમાં દર્શાવાયેલી
કુલ 3,32,150 કરોડની આવકોમાંથી જાન્યુઆરી-2026 સુધીમાં કુલ રૂા. 2,28,982 કરોડ એટલે કે બજેટના અંદાજ
સામે આશરે 69 ટકા આવક થઈ છે અને એવી જ રીતે
વર્ષ 2025-26ના બજેટમાં દર્શાવાયેલા કુલ
રૂા. 3,27,330 કરોડના ખર્ચ સામે જાન્યુઆરી-2026 સુધીના 10 મહિનામાં
3,27,330 કરોડનો એટલે કે 69 ટકા ખર્ચ થયો છે. અર્થાત રાજ્ય
સરકારના વર્ષ 2025-26ના બજેટમાં દર્શાવાયેલી કુલ
આવકો પણ 10 મહિનામાં 69 ટકા અને ખર્ચ પણ 69 ટકા થયો છે. એમ કહી શકાય કે, હવે, બાકીના ફેબ્રુઆરી
અને માર્ચ માસમાં ગુજરાત સરકારને બજેટની આવક અને ખર્ચના અંદાજો સરભર કરવા થોડીક કમર
જરૂર કસવી પડશે એમ મનાય છે.