નખત્રાણા, તા. 17 : અહીંની ખાનગી અંગ્રેજી માધ્યમની
શાળાના શિક્ષક દ્વારા વાલીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યાનો મુદ્દો તાજો છે, ત્યાં આ શાળાના શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના
હાથમાંથી ધાર્મિક પુસ્તક ઝૂંટવી ફેંકી દેવાના
આક્ષેપ સાથે ફરી આ શાળા વિવાદમાં આવી છે. નખત્રાણા ખાતે આવેલી અંગ્રેજી માધ્યમની અર્ચના
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કાયમ વિવાદના વંટોળમાં રહેતી હોય છે, આ
જ શાળાના એક શિક્ષક દ્વારા વાલીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા અને છેતરપિંડી કર્યાની ઘટના
તાજી છે, ત્યાં ફરી પાછી આ જ શાળામાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ
હોવાની ઘટના સામે આવતાં હિન્દુ યુવા સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ,
ગૌરક્ષા દળ તથા હિન્દુ યુવાનો શાળામાં પહોંચી ગયા હતા અને સીસીટીવી કેમેરા
ચેક કર્યા હતા, જેમાં શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીના હાથમાંથી હનુમાનજીની પુસ્તિકા ઝૂંટવી
ફેંકવામાં આવતી હોવાનું માલુમ પડયું હતું અને
વિદ્યાર્થિનીને અપમાનિત કરવામાં આવી રહી હોવાની ઘટના બહાર આવી છે. આ ઘટનાને
લઈને અનેક લોકો શાળામાં ધસી જતાં શાળા સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આ ઘટનાની
તપાસ બાદ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ તેમજ જિલ્લા શિક્ષણ
અધિકારી અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના
ચંદુભાઈ રૈયાણી, પીયૂષભાઈ રૈયાણી, મમુભાઈ
રબારી, લખનભાઈ રબારી, જેસાભાઇ રબારી,
નીલેશભાઈ રૈયાણી, ઝવેરભાઈ કેસરાણી, જેસાભાઇ રબારી, ગુલાબભાઈ દરજી, જગતસિંહ સોઢા, હિંમતસિંહ જાડેજા, પ્રિતેશ રૈયાણી, ચિંતન ભગત, હિતેશ
છાભૈયા, રવિ રબારી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્રિન્સિપાલ
સમક્ષ આ બાબતની રજૂઆત કરી હતી.દરમ્યાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ
ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આ બનાવ બાબતે તાલુકા
પ્રાથમિક શિક્ષણાધિકારી તપાસ ચાલી રહી છે અને હેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. અત્રે
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અનેક ખાનગી શાળાઓ દ્વારા નિયત કરતાં
વધુ ફી ઉઘરાવવી, ગણવેશ-સ્ટેશનરીની ચોક્કસ જગ્યાએથી ખરીદી,
ઈત્તર પ્રવૃત્તિઓ માટે અલગથી ફી લેવી જેવી અનેક ફરિયાદો ઊઠતી હોય છે,
પરંતુ પોતાનાં બાળકોના અભ્યાસ ખાતર વાલીઓ મૂંગા મોઢે સહન કરી લેતા હોવાનો
સૂર જાગૃતોમાંથી ઊઠી રહ્યો છે. દરમ્યાન આ બનાવ અંગે કચ્છમિત્રએ શાળાના આચાર્યનો પ્રતિભાવ
જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તરફથી જવાબ આપવાનું ટળાયું
હતું.