• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

નેત્રામાં રખડતા ઢોરની હડફેટે આવેલા વૃદ્ધે સારવાર દરમ્યાન દમ તોડયો

મોટી વિરાણી, (તા. નખત્રાણા), ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકાના નેત્રા ગામે તાજેતરમાં રખડતા ઢોરે અડફેટે લેતાં 80 વર્ષીય વડીલ ખેતાભાઇ રાજાભાઇ ગંઢેરનું સારવાર દરમ્યાન દુ:ખદ અવસાન થતાં ગામમાં અરેરાટી વ્યાપી છે. બીજી તરફ  મુંદરામાં પરિણીતા રાજશ્રીસિંઘ પ્રશાંતકુમાર બહેરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. નેત્રાના બનાવ અંગે મૃતકના પુત્ર પરેશભાઈ ગંઢેરે આપેલી માહિતી અનુસાર, ગત પાંચમીના સાંજે મફતનગર વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાન પાસે તેમના પિતા ખેતાભાઇ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવેલા એક આંખલાએ તેમને બેફામ રીતે હડફેટે લીધા હતા. આ ઘટનામાં તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં હેમરેજ થયું હતું. તાત્કાલિક તેમને સ્થાનિક દવાખાને ખસેડાયા, પરંતુ તબીબ દ્વારા વધુ સારવાર માટે આગળ લઈ જવાની સલાહ અપાતાં તેમને  નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ભુજ લઈ જવા સૂચવાયું હતું. બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી, પરંતુ ત્યાં મગજના નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે છઠ્ઠીના તેમને ભુજની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશન સહિતની જરૂરી સારવાર બાદ 14મીએ તેમને રજા આપવામાં આવી હતી. જો કે, ઘરે પરત ફર્યા બાદ સાંજે લગભગ ચાર વાગ્યે તેમની તબીયત ફરી લથડતાં નખત્રાણા લઈ જવાઈ રહ્યા હતા, પરંતુ નખત્રાણા પહોંચતાં પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. રખડતા ઢોરની સમસ્યા મુદ્દે તંત્ર   તાત્કાલિક અસરથી રખડતા ઢોરોને પકડી યોગ્ય કરે જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. એવી ગ્રામ જનોની માગણી છે. બીજી તરફ મુંદરાના સંસ્કારનગરમાં રહેતા મૂળ ઓડિસ્સાના પ્રશાંતકુમાર બહેરાની પત્ની રાજશ્રીસિંઘે ગઇકાલે સવારે 11થી બે વાગ્યા દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર પોતાનો રૂમ અંદરથી બંધ કરી રૂમમાં લોખંડના એંગલમાં સાડી વડે ગળામાં બાંધીને ફાંસો ખાઇ લેતાં મૃત્યુ પામ્યાની વિગતો તેના પતિએ મુંદરા પોલીસ મથકમાં જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd