નવી દિલ્હી, તા. 17 : ભારત સરકાર
`એઆઇનો યુપીઆઇ' બનાવશે, તેવી યોજનાનું મહત્ત્વનું એલાન મંગળવારે દુનિયાના સૌથી
મોટાં એઆઇ શિખર સંમેલનના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું.
`ઈન્ડિયા એઆઇ ઇમ્પેકટ સમીટ'માં વૈષ્ણવે કહ્યું હતું કે, ભારતના એઆઇ અને ડીપ-ટેક ઇકોસિસ્ટમમાં વૈશ્વિક રોકાણકારોની રુચિ વધી રહી છે.
આવનારાં બે વર્ષ દરમ્યાન આપણા ભારત દેશમાં 200 અબજ ડોલરથી વધુના રોકાણો આવવાની આશા છે. એઆઇના યુપીઆઇ વિશે તેમણે
કહ્યું હતું કે, આ એક યુપીઆઇ જેવી ખુલ્લા
મંચની વ્યવસ્થા હશે. આ મંચ પર ડેવલપર્સ અને કંપનીઓ વિવિધ એઆઇ સમાધાન તૈયાર કરશે,
તેવું મોદી સરકારના મંત્રી બોલ્યા હતા. વૈષ્ણવે જણાવ્યું હતું કે,
એઆઇનાં પાંચેય સ્તર ઇન્ફ્રાસ્ટ્રકચર, કમ્પ્યુટ,
ડેટા, મોડેલ અને એપ્લિકેશનમાં રોકાણની સંભાવનાઓ
સર્જાઇ રહી છે. ત્રણ લાખથી વધુ યુવાનો, સંશોધકો, વિદ્યાર્થીઓએ એઆઇ સમીટમાં સહભાગી થવા નોંધણી કરાવી છે. મોટા ભાગનાં સત્રોમાં
ભરચક સંખ્યા જોવા મળી હતી.