નવી દિલ્હી, તા. 16 : સામાન્ય
માણસનું માથું દુ:ખાડી રહેલી મોંઘવારી બેકાબૂ બની રહી છે. છૂટક બાદ હવે જથ્થાબંધ
મોંઘવારી પણ જાન્યુઆરી મહિનામાં સતત ત્રીજા મહિને વધીને 1.81 ટકા
સાથે 10 મહિનાની ટોચ પર પહોંચી ગઈ છે. દેશનાં વાણિજ્ય મંત્રાલયે
સોમવારે આંકડા જારી કર્યા હતા. રોજિંદી જીવન જરૂરી વસ્તુઓની મોંઘવારી 0.21માંથી
વધીને 2.21 ટકા થઈ ગઈ છે. જાન્યુઆરીમાં ખાદ્ય
વસ્તુઓની મોંઘવારી 1.55 ટકા રહી. શાકભાજીની મોંઘવારી 6.78 ટકા
જેટલી ઊંચી ગઈ હતી. બીજી તરફ ઈંધણ અને વીજળીની જથ્થાબંધ મોંઘવારી માનઈસ 2.31 ટકાથી
ઘટી જઈને માઈનસ 4.01 ટકા રહી હતી. ઉત્પાદન કરાયેલી વસ્તુઓની
જથ્થાબંધ મોંઘવારી જાન્યુઆરી મહિનામાં 1.82 ટકાથી વધીને 2.86 ટકા
રહી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં નિવેદનમાં જણાવાયું હતું કે, ખાસ કરીને મૂળ ધાતુઓનું
નિર્માણ અન્ય નિર્મિત ઉત્પાદનો, ખાદ્ય, બિનખાદ્ય ચીજો, વત્રોની કિંમતો વધતાં મોંઘવારી વધી
છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં જ છૂટક મોંઘવારી પણ વધીને
2.75 ટકા સાથે આઠ મહિનાની ટોચે ગઈ હતી.