• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ખાનાયનો બુટલેગર રાસિયો 6 વર્ષે ઝડપાયો

ભુજ, તા. 28 : શરાબ તથા અન્ય 37 જેટલા ગુનામાં સંડોવાયેલા અને નવ ગુનામાં પકડવાના બાકી એવા ખાનાયના બુટલેગર રાસુભા ઉર્ફે રાસિયો તગાજી સોઢાને ઝડપવા એલસીબીએ `ઓપરેશન ખોજ' આદર્યું હતું. માલધારીનો વેશ પલટો કરીને જંગલમાં ઊતરેલી એલસીબીની ટીમને ત્રણ દિવસની સતત તલાસી દરમ્યાન અંતે છ વર્ષથી નાસ્તો-ફરતો રાસિયો ખાનાયની ડુંગરોની કોતરોમાંથી ઝડપી લેવાયો હતો. એલસીબીના આ `ઓપરેશન ખોજ'ની સફળતા માટે કેવા-કેવા પડકારોનો સામનો કરવો પડયો અને કઇ રીતે તેને ઝડપી પડાયો તે અંગે આજે મુંદરા ખાતે પત્રકારોને મુંદરા વિભાગના મદદનીશ પોલીસ અધીક્ષક ગૌતમ વિવેકાનંદે વિગતો આપી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ છેલ્લાં છ વર્ષથી નાસ્તા-ફરતા અને પોલીસને પડકાર આપતો `મને પકડી બતાવો !' એવા  ખાનાયના બુટલેગરને ઝડપવા ખાસ ટીમની રચના કરી હતી. આ એલસીબીની ટીમે છેલ્લા 15 દિવસથી `ઓપરેશન ખોજ' અંતર્ગત રાસિયાને ઝડપવા ખાનાયના જંગલ વિસ્તારમાં ખેડૂત અને માલધારીનો વેશ પલટો કરી ધામા નાખ્યા હતા. રાસિયાએ અગાઉ પોલીસ ઉપર હુમલા કર્યા હોવાથી પોલીસની આ ટીમ અત્યંત સાવચેતીપૂર્વક પગલાં ભરી રહી હતી. આખરે 15 દિવસે ખાનગી બાતમી મળી કે, રાસિયો ખાનાય સીમની ડુંગરોની કોતરોમાંથી નીકળી ખાનાય ગામ તરફ જવાનો છે. નિર્જન જગ્યાએ સૂતો હોવાની બાતમી મળતાં તે જગ્યાથી આરોપી પોલીસને જોઈ નાસી ન જાય તે માટે પોલીસ ટીમે 200 મીટરના અંતરથી ચોફેરથી એક-બીજાના સંપર્કમાં રહી આરોપીની નજીક પહોંચવા જમીન-ઘાસ અને ઝાડીઓમાંથી સરકી-સરકી તેની નજીક પહોંચી દબોચી પડકાર ફેંકનાર રાસિયાને ધૂળ ચાટતો કરી દીધો હતો. ઝડપાયેલા આરોપી રાસુભા સોઢા વિરુદ્ધ નલિયા, નખત્રાણા, મુંદરા, માંડવી, માનકૂવા, પદ્ધર, દયાપર, અંજાર, ભચાઉ, વાયોર, નારાયણ સરોવર અને પ્રાગપર સહિતના પોલીસ મથકોમાં 37થી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. હાલ નખત્રાણા, પ્રાગપર, પદ્ધર, ભુજ બી-ડિવિઝન અને અંજાર પોલીસ સ્ટેશનના 9 જેટલા ગુનામાં તેની અટકાયત કરવાની બાકી હતી, જે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશનમાં એલસીબીના પી.આઈ. અશોક એમ. મકવાણા, પી.એસ.આઈ. જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, એ.એસ.આઈ. વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અશ્વિનભાઈ સોલંકી, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનીલભાઈ પરમાર, હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા, શ્યામ ગઢવી, કોન્સ. મહેશભાઈ ચૌહાણ જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd