ભુજ, તા. 17 : કચ્છ વન વર્તુળના વન સરક્ષક
ડો. ધીરજ મિતલની સૂચના અને બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના નાયબ વન સંરક્ષક એન. વી. ચૌધરી, મદદનીશ વન સંરક્ષક પી. આર. પટેલના માર્ગદર્શન
હેઠળ ભીરંડિયારા રેન્જમાં ખેતી વિષયક તથા અન્ય દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં
આવી હતી. કચ્છના બન્ની ઘાસિયા મેદાનની ઓળખ અને અસ્તિત્વને બચાવવા માટે વન વિભાગ દ્વારા
સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભીરંડિયારા રેન્જ હેઠળ આવતા વિસ્તારોમાં સ્થાનિકો
અને અન્ય તત્ત્વો દ્વારા કરવામાં આવેલા ખેતી વિષયક અને પશુ વાડા પ્રકારના ગેરકાયદેસર
દબાણોને વન વિભાગની ટીમે સંપૂર્ણપણે દૂર કર્યા છે. સુમરાસર (શેખ) નજીક અંદાજે 100 હેક્ટર જમીનનું ગેરકાયદેસર
ખેતી અને વાડાબંધીમાંથી મુક્ત કરાવાઇ હતી. બન્ની વિસ્તાર મૂળભૂત રીતે રક્ષિત વન જાહેર
થયેલો છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસા દરમિયાન અહીં ગેરકાયદેસર રીતે પાક વાવીને વ્યાવસાયિક
ખેતી શરૂ કરી દેવાઈ હતી, જે ઘાસના મેદાનના
નિવસનતંત્ર માટે જોખમી બની હતી. બન્ની એ રક્ષિત વન ભૂમિ છે. ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન
હેઠળ ભીરડીયારા રેન્જ સહિતના વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું ખેતી વિષયક કે અન્ય દબાણ
સાખી લેવામાં આવશે નહીં તેવું તંત્રવાહકો, રેંન્જ ફોરેસ્ટ ઓફિસર
ઈશ્વર મહેશ્વરીએ જણાવ્યું હતું. વન વિભાગની આ કડક કાર્યવાહીને બન્નીના પરંપરાગત માલધારી
સમુદાયે આવકારી છે. માલધારીઓના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર ખેતી
અને દબાણોને કારણે `બન્ની ભેંસ' અને અન્ય પશુઓ માટે ચરવા માટે જગ્યા બચી નહોતી.
દબાણો દૂર થતાં હવે દેશી ઘાસનું પુન: વસન થશે અને પર્યાવરણની જાળવણી શક્ય બનશે.