દુધઈ , તા. 13 : વાહન
મારફત કચ્છમાં અવાર-નવાર બુટલેગરો દ્વારા અલગ
અલગ કિમિયા અપનાવી કચ્છમાં શરાબ ઘૂસાડવામાં આવે છે. તાજેતરમાં જ ટ્રેઈલરમાંથી
11 લાખનો શરાબ ઝડપાયો હતો, ત્યારે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા અંજાર તાલુકાના ટપ્પર ગામમાં વાડીમાં કાર્યવાહી કરાઈ હતી. આ દરમ્યાન ટેન્કરમાંથી પાણી નહીં શરાબની બોટલોનો જંગી જથ્થો
કબજે કરાયો હતો. આ કાર્યવાહી દરમ્યાન કોઈ પણ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. - 12 આરોપી સામે ગુનો દર્જ : પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી
મળતી વિગતો મુજબ એલસીબી દ્વારા આરોપીઓ પૂના
ભાણા ભરવાડ, રામા વજા ભરવાડ, યુનુશ ઉર્ફે યુનીશ ઉર્ફે ઈનુશ ફકીરમામદમીર, વાલજી ઉર્ફે વાલો ભીખાભાઈ દેસાઈ, મેરૂભા ઉદેસંગ વાઘેલા, વાડી માલિક અરજણ હીરાભાઈ હેઠવાડિયા
ટેન્કર નં. જીજે-12-બીવી-9881નો ચાલક, હાઈવા ડમ્પર નંબર જીજે-12-એટી-9880નો ચાલક, બોલેરો કેમ્પર વાહનનો ચાલક, હિરો સ્પલેન્ડરનો ચાલક રેડ દરમ્યાન નાસી જનારા શખ્સો, અંગ્રેજી શરાબ ભરીને મોકલનારા સહિત 12 જણ સામે દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. - મોડી રાત્રિના એલસીબી ત્રાટકી : પેટ્રોલિંગ દરમ્યાન ટપ્પર ગામની વાડીમાં
વાગડના લિસ્ટેડ બુટલેગરો શરાબ મગાવીને કટિંગ કરતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડી
વહેલી સવારે ત્રાટકી હતી. પોલીસને જોઈ કટિંગની કામગીરી કરતા લોકોમાં ભારે દોડધામ થઈ
પડી હતી અને અંધારાનો લાભ લઈને તમામ લોકો નાસી
ગયા હતા. વાડીમાંથી ટેન્કર તેમજ અન્ય વાહનો
દુધઈ પોલીસ મથકે લઈ જવાયાં હતાં. - વિદેશી બ્રાન્ડની બોટલો ઝડપાઈ : આ કાર્યવાહી દરમ્યાન 4.44 લાખની કિંમતની કિંગફિશર બીયરની 3,552 બોટલ, 32.60 લાખની કિંમતની એવર ગ્રીન રિઝર્વ
વ્હીસ્કીની 5016 બોટલ, 32.64 લાખની કિંમતની નોબલ નેસ્ટર વ્હીસ્કીની 180 એમએલની 26,112 બોટલ, 180 લાખની કિંમતની એઈટ પી.એમ. સ્પેશિયલ વ્હીસ્કીની 180 એમએલની 1,440 બોટલ, 60 હજારની કિંમતની ગ્રીન લેબલ વ્હીસ્કીની 480 બોટલ, 7.14 લાખની કિંમતની આર.જે. ગ્રીન સ્પેશિયલ વ્હીસ્કીની 180 એમએલની 75,712 બોટલ, 30 હજારની કિંમતની વ્હાઈટ લેક જામુન વોડકાની 240 બોટલ સહિત 79. લાખની કિંમતની 42,552 બોટલો કબજે કરવામાં આવી છે. ફરાર આરોપીઓને
ઝડપી પાડવા માટે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. - શરાબ ઝડપાય છે આરોપીઓ નહીં : અત્રે ઉલ્લેખનીય છે કે,
રાજસ્થાન તરફથી કચ્છમાં ઘૂસાડવામાં આવતો
શરાબ ઝડપાય છે, પરંતુ માત્ર ચાલક, ક્લીનર કે પેટી ઉતારનારા શ્રમિકો જ ઝડપાય છે.. મુખ્ય સૂત્રધારો સુધી કાનુનના
હાથ આજ દિન સુધી કોઈ પણ કારણે પહોંચ્યા નથી,
જેથી
શરાબ ઘૂસાડનારા કોણ હતા, કોણે મંગાવ્યો તે સહિતની કડી તૂટેલી જ રહેતી હોવાનો આક્ષેપ જાણકારો
કરી રહ્યા છે. તાજેતરમાં કન્ટેનર ટ્રેન મારફત કચ્છમાં કરોડોની કિંમતનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ કચ્છ
આવતો માતબર રકમનો શરાબ પણ સમયાંતરે ઝડપાય છે.
આ મામલે પોલીસે દુધઈ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ એલસીબીએ પોતાના હસ્તક રાખી
છે. - સામખિયાળીમાં હોટેલમાં લઈ અવાતા શરાબ સાથે
શખ્સ ઝડપાયો : ગાંધીધામ, તા. 13 : ભચાઉ
તાલુકાનાં સામખિયાળી રેલવે ટ્રેક પાસે ટ્રોલી
બેગમાંથી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ
પૂર્વ બાતમીના આધારે સામખિયાળી પોલીસે ભાગ્યોદય હોટેલ પાછળ રેલવે પાટા પાસે વોચ ગોઠવી હતી. બાતમી
મુજબ રેલવે ટ્રેક તરફથી આરોપી જિગર લક્ષ્મણ વજીર
પસાર થતા તેને રોકીને તપાસ કરાઈ હતી.
ટ્રોલી બેગમાંથી 13 હજારની કિંમતનો અંગ્રેજી પ્રકારનો શરાબ
મળી આવ્યો હતો. આરોપી હોટેલમાં નોકરી કરતો હતો. ઝડપાયેલો શખ્સ અને ફરાર આરોપી હોટેલ ભાગ્યોદયના માલિક કુલદીપદાન ભરતદાન ગઢવી રાજસ્થાનથી
ટ્રેન મારફત દારૂ લઈ આવ્યા હતા. સામખિયાળી ઉતરેલો
કર્મચારી પકડાઈ ગયો હતો. ફરાર હોટેલ માલિકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે. - મેઘપર (કું.)માં રહેણાક મકાનમાંથી 1.47 લાખનો શરાબ પકડાયો : આરોપી ફરાર : ગાંધીધામ, તા. 13 : અંજાર
તાલુકાના મેઘપર કુંભારડીનાં રહેણાક મકાનમાંથી 1.47 લાખનો શરાબ ઝડપાયો હતો,
પરંતુ આરોપી નાસી છુટયો હતો. પોલીસના સત્તાવાર
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અંતરજાળનો શખ્સ આરોપી મેરૂભા ઉદેસંગ વાઘેલા મેઘપર કુંભારડીમાં શરાબનું વેંચાણ
કરતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી.
મેઘપર કુંભારડીમાં રવેચીનગરમાં પોલીસે દરોડો પાડયો હતો. આ દરમ્યાન અંગ્રજી શરાબની
જુદી જુદી બ્રાન્ડની 96 બોટલ
અને 702 નંગ ક્વાટરિયા સહિત 1.47 લાખનો શરાબ ઝડપાયો હતો. ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.