• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સગીરાની છેડતી અને તેના ભાઈને છરી મારવાના કેસમાં પાંચ વર્ષની કેદ

ભુજ, તા. 9 : એકાદ વર્ષ પૂર્વે સગીરા સાથે નિકાહ કરવાની માંગ કરી, નિકાહ નહીં કરો તો તે તથા તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતાં છેડતી કરતાં બોલાચાલી બાદ સગીરાને ભાઈ સાથે ઝઘડો કરી છરી મારી ઈજા પહોંચાડવાના બનાવમાં આરોપી બે સગા ભાઈ સરફરાજ ઉર્ફે હેરી રમજુ મમણ અને આફતાબ ઉર્ફે ભાભો રમજુ મમણ (રહે. બંને સંજયનગરી, ભુજ) મુખ્ય આરોપી સરફરાજને પાંચ વર્ષ અને સહઆરોપી આફતાબને એક વર્ષની સજા ફટકારતો ચુકાદો અદાલતે આપ્યો છે. આ બનાવની ટૂંક વિગતો મુજબ ગત તા. 16/1/25ના સગીર પોતાના ઘરે વાસણ ધોતી હતી, ત્યારે આરોપીઓ ત્યાં આવી સરફરાજે હાથ પકડી માથા પરની ઓઢણી ખેંચી લઈ કહ્યું કે, તું મારી સાથે નિકાહ કરી લે, નહીંતર તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ. આ દરમ્યાન સગીરાનો ભાઈ આવી જતાં બોલાચાલી કરી આરોપીઓ જતા રહ્યા હતા. આ બાદ બે-ત્રણ કલાક પછી ચાની કેબિન ઉપર સગીરાની ભાઈ સાથે બંને આરોપીએ ઝઘડો કરી સરફરાજે ફરિયાદીને છરી મારી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. અગાઉ પણ સગીરાની છેડતી કર્યાની વિગતો ફરિયાદમાં નોંધાવી હતી. આ કેસમાં સ્પે. પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કરે ફરિયાદ પક્ષેના આઠ દસ્તાવેજી પુરાવા તથા સાત સાક્ષી તપાસી આરોપીઓને તકસીરવાન ઠેરવી મુખ્ય આરોપી સરફરાજને પાંચ વર્ષ અને સહઆરોપી આફતાબને મદદગારી બદલ એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા ભોગ બનનારને રૂા. 50 હજારનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવાનો હુકમ કર્યો છે. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી તેમજ મૂળ ફરિયાદીના એડવોકેટ આર.એસ. ગઢવી, વી.જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર, શિવમ બી. સોલંકી હાજર રહ્યા હતા.

Panchang

dd