ભચાઉ, તા. 20 : ભચાઉમાં નવાં બસ સ્ટેન્ડથી
દુધઈ માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરીને થોડી જ વારમાં તેને
આટોપી લેવામાં આવતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. અતિક્રમણથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી
છે છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં
આવતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરાતી દબાણ હટાવ ઝુંબેશથી પણ નરમ ઝુંબેશ
હાથ ધરાઈ હતી. નગરપાલિકાનાં ટ્રેક્ટરથી કેટલાક પોતાનાં સાઈન બોર્ડ ઉઠાવી જતા નજરે પડયા
હતા. પ્રાંત કચેરી, મામલતદાર,
પોલીસ તંત્ર, ભાડા અને નગરપાલિકાનો વહીવટી સ્ટાફ
ટ્રેક્ટર સહિતનાં સાધનો સાથે જોડાયો હતો. જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન દુધઈ રોડ સુધી કતારબદ્ધ દબાણોની હારમાળા સર્જાયેલી
છે. દરરોજ નવાં નવાં બાંધકામો આકાર પામી રહ્યાં
છે, પ્રથમ કાચા દબાણ માટે વાડ, ઈંટ ગજિયાની
પાળો, ઝાડી અને પછી જોત જોતામાં પાકા દબાણો થઈ રહ્યાં છે. દરમિયાન
ભચાઉના વહીવટી અધિકારીઓએ ફૂટપાથ પરનાં દબાણો લારીઓને લઈને ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા
હતા તે નડતરરૂપ 50 દબાણ દૂર
કર્યાં હતાં અને ઘર વપરાશના પાંચેક સિલિન્ડર કબજે કરાયા હતા.