ગાંધીધામ, તા. 20 : ભચાઉ નજીક સર્વિસ રોડ પરથી
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બે શખ્સને પકડી પાડી તેમની પાસેથી દેશી બંદૂક જપ્ત કરી
હતી. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. લુણવા-પશુડા ગામની સીમમાં
નર્મદા કેનાલ ઉપર બે બાઈક ઉપર બેઠેલા શખ્સો પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે
પોલીસે અહીં છાપો માર્યો હતો. પોલીસે વાહન જોઈને આ ચાર શખ્સ બે બાઈક ઉપર બેસી નાસવા
લાગ્યા હતા. પોલીસે તેમનો પીછો કર્યો હતો. ભચાઉ બાજુ નાસી રહેલા આ શખ્સોને બટિયા વિસ્તાર
પાસે ઝડપી પાડયા હતા. અહીંથી શબ્બીર કેસર નારેજા તથા હબીબ રમજાન ત્રાયા નામના શખ્સોને
પકડી પાડયા હતા, જ્યારે આમીર ખાન જાનમામદ
લંઘા અને રમેશ પ્રવીણ કોળી નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા બે શખ્સ પાસેથી 47 ઈંચની એક દેશી બંદૂક મળી આવી
હતી, જેમાં છરા સાથે દારૂખાનું ભરેલ હોવાનું બહાર
આવ્યું હતું. શિકારની પ્રવૃત્તિ કરવા આવેલા પકડાયેલા આ શખ્સો પાસેથી બંદૂક,
બે મોબાઈલ, નંબર પ્લેટ વગરનું બાઈક જપ્ત કરવામાં
આવ્યું હતું. આ શખ્સોએ બંદૂક ક્યાંથી મેળવી હતી તેમજ નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા
સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.