ભુજ, તા. 20 : થોડા દિવસો પૂર્વે શેરબજાર-આઇપીઓમાં
સારો નફો બનાવી ભુજના યુવાન સાથે ઓનલાઇન ઠગાઇ થયાના બનાવના લખાણની સાહી હજુ ભુંસાઇ
નથી ત્યાં ફરી એ જ તરકીબ તળે અન્ય બે ભાઇએ 91 લાખ ગુમાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગઇકાલે બોર્ડર રેન્જ-ભુજના
સાયબર પોલીસ મથકે ભાનુશાલી નગર-ભુજ ખાતે રહેતા કેવલભાઇ પ્રફુલભાઇ શાહે નોંધાવેલી ફરિયાદ
મુજબ તે ભુજના ભીડ ખાતે પશુઓના ખોડ-ભૂંસાનો વેપાર કરે છે. ગત તા. 26/10ના તેમના ભાઇ ધ્રુમિલને વોટ્સએપ
પર અજાણ્યા નંબર પરથી ફોટો આવતાં તેના ઉપર ક્લિક કરતાં તે ગ્રુપમાં જોઇન થયો હતો. આ
ગ્રુપમાં દરરોજ શેરમાર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સો અપાતી હતી. ધ્રુમિલને રોકાણ અંગે
પૂછતાં તેણે હા પાડતાં મેવરિક કેપવાળી એપ ઇન્સ્ટોલ કરાવી હતી. આ બાદ તેમાંથી લેફ્ટ
કરાવી અન્ય ગ્રુપમાં જોઇન કરાવ્યા હતા. આ બાદ ધ્રુમિલે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.
જે સામાવાળા બેન્ક ખાતામાં જમા કરાવતા હતા. મેવરિક કેપના ડિજિટલ એકાઉન્ટમાં ફરિયાદીના
ખાતામાં રકમ જમા થતી હોવાથી બંને ભાઇઓને આ વસ્તુ ઉપર વિશ્વાસ આવતાં વધુ રોકાણ - ટ્રેડ
કરવાનું શરૂ કર્યું હતું. આ બાદ તા. 26/11/25થી તા. 18/12/25 દરમ્યાન
તેર વખત અલગ અલગ રકમો જમા કરાવતાં કુલ મળીને રૂા. 91 લાખ ભરી દીધા હતા. ધ્રુમિલે પૈસા ઉપાડવા વિડ્રોઅલ પર ક્લિક કરતાં
વિડ્રોઅલ ન થતાં વોટ્સએપ નંબરધારકને આ બાબતે વાત કરતાં તેણે જણાવ્યું કે, તમારો જે નફો થયો છે તેના ઉપર 20 ટકા ટેક્સ ભરવો પડશે અને તમને લાગેલા આઇપીઓની રકમ હજુ
પેન્ડિંગ છે. આ રકમ તમે ભરશો, બાદ જ
તમે વિડ્રોઅલ કરી શકશો. આ બાબતે ધ્રુમિલે તેના ભાઇ ફરિયાદીને વાત કરતાં આ બધું ફ્રોડ
હોવાની શંકા જતાં તેઓએ ગત તા. 26/12ના ઓનલાઇન સાયબર ક્રાઇમ હેઠળ નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ગઇકાલે સાયબર પોલીસ
મથકે આઇટી એક્ટ અને છેતરપિંડી અંગેનો પોલીસે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.