ભુજ, તા. 20 : કચ્છના પોસ્ટ વિભાગમાં નાણાકીય
ગેરરીતિનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શહેરના કોટ અંદરના વિસ્તારની એક પોસ્ટ ઓફિસના
સબ પોસ્ટમાસ્તરે કિસાન વિકાસ પત્ર(કેવીપી) ખોટી રીતે ડિસ્ચાર્જ કરીને સરકારી તિજોરીને
લગભગ સાડા પાંચ લાખ રૂપિયાનો ચૂનો લગાડયો હોવાનું ખૂલતાં આ કર્મચારીને સસ્પેન્ડ કરી
નાખવામાં આવ્યો હોવાનું બિનસત્તાવાર પણ માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા
મુજબ આ પ્રકરણમાં મેન્યુઅલી સિસ્ટમમાં જઈને ખોટી રીતે કે.વી.પી. ડિસ્ચાર્જ કર્યા એટલે કે તેનાં નામે રકમ ઉપાડી લીધી
છે, પણ હકીકતમાં તેનાં ડેઈલિ એકાઉન્ટના રોજમેળનાં
વાઉચર આવ્યાં નહીં એટલે ઓડિટમાં આ વાત બહાર આવી હતી અને તેને પગલે સત્તાધીશોએ આ કર્મચારીને
સસ્પેન્ડ કરી નાખ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું
હતું કે, આ કર્મચારીએ
જેટલો ગફલો થયો હોવાનું કહેવાય છે એટલા રૂપિયા ભરી નાખ્યા છે. તે ત્રણેક વર્ષથી
આ પોસ્ટ ઓફિસમાં હતા, ત્યારે અગાઉ પણ તેમણે જે પોસ્ટ ઓફિસોમાં
કામ કર્યું છે તે પણ હવે રડારમાં આવી શકે છે. પોસ્ટ તંત્ર આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ
કરે છે કે કેમ એ જોવાનું છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કોઈ ખાતેદારનાં
નાણાં ઉચાપત થયાં નથી, પણ સિસ્ટમમનો ગેરઉપયોગ કરીને સરકારી તિજોરીને
ચુનો લગાડયો હોવાનું સમજાય છે. રાવલવાડીના કરોડો રૂપિયાનાં કૌભાંડ બાદ કચ્છના પોસ્ટ
વિભાગમાં નાની મોટી ગેરરીતિના બનાવો સમયાંતરે બહાર આવતા રહ્યા છે, તેમાં વધુ એક ઉમેરો થયો છે. દરમ્યાન આ સંદર્ભમાં ડાક અધીક્ષકનો ફોન બંધ હોવાથી
સંપર્ક કરવાના પ્રયાસ સફળ રહ્યા નહોતા, જેથી સત્તાવાર વિગતો મળી
ન હતી.