ગાંધીધામ/ભુજ, તા. 16 : અંજારના વરસામેડી
નજીક માર્ગ ઓળંગતા યોગેન્દ્ર બસંત યાદવ નામના યુવાનને કારે અડફેટે લેતાં ઘવાયેલા આ
યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બીજી તરફ માંડવી તાલુકાના તલવાણાથી પાંજરાપોળ
જતા ત્રણ રસ્તા નજીક માંડવીથી મુંદરા જતા હાઇવે રોડ પર બાઇક નંદી સાથે અથડાતાં અકસ્માત
સર્જાયો હતો, જેમાં બાઇકચાલક મોટી રાયણના
દિલીપભાઇ બુધારામ ચુંઇયાનું મોત થયું હતું. વરસામેડી નજીક આઇ માતા હોટેલ વેલહોમ પાસે
અકસ્માત સર્જાયો હતો. યોગેન્દ્ર યાદવ નામનો યુવાન માર્ગ ઓળંગી વેલહોમ બાજુ આવી રહ્યો
હતો. દરમ્યાન અર્ટિગા કાર નંબર જી.જે. 27 ઇ.એ.-6068ના ચાલકે
આ યુવાનને અડફેટે લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને પ્રથમ અંજાર પછી ભુજ બાદમાં
વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે તા. 10/12ના છેલ્લા શ્વાસ લીધા હતા.
કારચાલક સામે દિલીપકુમાર સુકર યાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત કોડાય
પોલીસમાં ફરિયાદી મોટી રાયણમાં રહેતા સ્વસ્તિકભાઈ જયંતીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું
કે, ગત તા. 14/12ના નવીનાળથી નોકરી કરી સાંજે
સગા કાકા દિળલીપભાઇ અને તે બાઈક નં. જીજે - ડીઈ -8077માં જતા હતા, ત્યારે નંદી સાથે બાઈક ભટકાતાં માથાંના ભાગે ગંભીર ઈજાઓ થવાનાં કારણે ચાલક
એવા કાકા દિલીપભાઈનું મોત થયું હતું, જ્યારે બાઈકમાં પાછળ બેઠેલા
ફરિયાદી સ્વસ્તિકભાઇને ઈજાઓ થઈ હતી. કોડાય પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.