• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં તલાટીની નોકરીના બહાને પૈસા પડાવાયા

ગાંધીધામ, તા. 12 : શહેરના મહેશ્વરીનગરમાં રહેનાર એક આધેડને તેમની દીકરીને તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાની લાલચ આપી ઠગબાજએ રૂા. 65,000 મેળવી પરત ન આપતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં રહી કલરકામ કરનાર કાનજી નારાણ મહેશ્વરીએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આધેડે છેક તા.  3-6-24ના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી, ત્યારે પોલીસે ગઇકાલે ફરિયાદ ચોપડે ચડાવી હતી. ત્રણ દીકરી અને એક દીકરાના પિતા એવા ફરિયાદીની અગાઉ જમીન લે-વેચ મુદ્દે દ્વારકાના દીપકભાઇ સાથે ઓળખાણ થઇ હતી, જેણે એક નંબર આપી તે નંબર દીપક પટેલના હોવાનું અને તે ગાંધીનગર રેવેન્યૂમાં નોકરી કરતો હોવાની વાત કરી હતી. ફરિયાદીએ આ શખ્સને ફોન કરતાં પોતે ગાંધીનગર રેવેન્યૂ વિભાગમાં નોકરી કરે છે અને સાહેબો સાથે સારી બને છે. તમારા કોઇ સંતાનને સરકારી નોકરીમાં લાગવું હોય તો કહે જો, તેવું આ શખ્સે જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ પોતાની દીકરીઓ ભણેલી-ગણેલી હોવાનું કહ્યું હતું. બાદમાં તલાટી-મંત્રીની ભરતી બહાર પડતાં ફરિયાદીએ દીપક પટેલને ફોન કરી તેમની દીકરી શારદાને નોકરી બાબતે વાત કરી હતી. આ શખ્સે નોકરી અંગે વિશ્વાસ અપાવી ત્રણથી ચાર લાખની વાત કરી હતી અને બાદમાં બેંક ખાતાં નંબર મોકલાવતાં ફરિયાદીએ રૂા 65,000 તેમાં જમા કરાવી દીધા હતા, પરંતુ તેમની દીકરીનું નામ મેરિટ લિસ્ટમાં ન આવતાં કાનજીભાઇએ આ શખ્સનો વારંવાર સંપર્ક કરવા છતાં તેણે દાદ આપી નહોતી અને બાદમાં પૈસા પણ પરત આપ્યા નહોતા. પાંચ મહિના અગાઉ કરાયેલી અરજી અનુસંધાને પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang