• શનિવાર, 27 જુલાઈ, 2024

કોંગ્રેસનો પરાજય : મનોદશા બદલાશે ?

લોકસભાની ચૂંટણી પહેલાં ત્રણ મોટા હિન્દીભાષી રાજ્યમાં હારથી કોંગ્રેસને ભારે આંચકો લાગ્યો છે અને રાજનીતિ વ્યૂહરચના પર પુનર્વિચાર કરવા તથા સાથી પક્ષોને વિશ્વાસમાં લઈને સમાંતર રાખવાનું દબાણ વધ્યું છે. કોંગ્રેસ અર્થાત્ રાહુલ ગાંધીની નિષ્ફળતાની અસર એલાયન્સ ઉપર પડે નહીં તે જોવાની મુખ્ય સમસ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં હારની કેટલી અસર પડશે એ તો સમય નક્કી કરશે, પરંતુ લડાઈમાં ચાલુ રહેવા માટે કોંગ્રેસે લોઢાના ચણા ચાવવા પડશે. કર્ણાટકમાંની જીતની ખુમારી તૂટી ગઈ છે. કોંગ્રેસ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, તે હિન્દીભાષી વિસ્તારોમાં લગભગ ખતમ થઈ ગઈ છે. હવે હિન્દીભાષી વિસ્તારમાં ફક્ત હિમાચલ પ્રદેશમાં સરકાર છે, જ્યારે દક્ષિણમાં કર્ણાટક પછી તેલંગાણામાં સત્તા મળી રહી છે. તેલંગાણાની જીત કોંગ્રેસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે, પણ આ હિન્દીભાષી રાજ્યો પર કોઈ ખાસ અસર નહીં પડે. આમાં ખુદને વિકલ્પ તરીકે જાળવી રાખવાનો પડકાર છે. જાતિ જનગણનાની હિમાયત કરીને ઓબીસી મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ સફળ થયો નથી. છત્તીસગઢમાં લગભગ 41 ટકા ઓબીસી મતદારોને જાતિના આધારે જનગણના કરાવવાનું વચન આપ્યું હતું, પણ ઓબીસી મતદારોનો વિશ્વાસ મળ્યો નહીં. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે જાતિ આધારિત જનગણનાનું વચન આપ્યું હતું, પણ મતદારોએ ભાજપ પર વિશ્વાસ યથાવત્ રાખ્યો છે. હવે પક્ષના નેતા કહે છે કે, ચૂંટણી પરિણામોની સમીક્ષા પછી જ હારના અસલ કારણોની જાણ થશે. પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે, કોંગ્રેસે ચૂંટણી વ્યૂહરચના પર નવેસરથી વિચાર કર્યા વિના છૂટકો નથી. આ ઉપરાંત કોંગ્રેસે જે ચૂંટણી ગેરન્ટીઓના આધારે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં જીત હાંસલ કરી હતી, તે ઉત્તર ભારતમાં ચૂંટણીઓમાં કારગર સાબિત થઈ નથી. આ રાજ્યોમાં મતદારોને મોદીની ગેરન્ટી વધુ વિશ્વસનીય લાગી છે. આ સાથે ભારત જોડો યાત્રા દરમિયાન આ રાજ્યોમાં મળેલા સમર્થનને પણ મતોમાં પરિવર્તિત કરી શકાયું નથી. આપણી ચૂંટણીઓનું વિશ્લેષણ લહેરના ઝોક, વાસ્તવિક્તા અને ચૂંટણી અંકગણિત પર આધારિત હોય છે. માત્ર ગણિતના આધારે ચૂંટણી જીતી શકાય નહીં. રાજકીય ગણતરી વધુ મહત્ત્વની હોય છે. ચૂંટણીમાં મોટી ભૂમિકા પક્ષ સંગઠનની શક્તિ અને ચૂંટણી મેનેજમેન્ટની હોય છે. ભૂતકાળમાં કોંગ્રેસનું સંગઠન આ કૌશલ માટે ઓળખાતું હતું, પરંતુ હવે આ ઈતિહાસ છે. ભાજપ અજોડ, અનુપમ છે. કોંગ્રેસ માટે ચૂંટણી મશીનરી નવેસરથી તૈયાર કરવાનો પણ પડકાર છે. કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં વિજય અને સત્તા મળ્યા પછી કોંગ્રેસમાં નવજીવનનો વિશ્વાસ જાગ્યો હતો. હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ સાથેની સીધી લડતમાં જીતીને સાથી પક્ષોને પ્રભાવિત કરવાની નેમ, ઉતાવળ પણ હતી. પ્રાદેશિક નેતાઓ કમલનાથ, દિગ્વિજયસિંહ, અશોક ગેહલોત અને ભૂપેશ બાઘેલ જેવા નેતાઓ `સ્વાયત્ત' બની રહ્યા હતા. કમલનાથે તો અખિલેશ - બખિલેશની પરવા નહીં હોવાનું જણાવ્યું. આ ઘમંડનું યોગદાન પરાજયમાં છે. મૂળ સત્તાની મનોદશા બદલવી જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang