• શનિવાર, 05 જુલાઈ, 2025

ભારત માત્ર પાક નહીં, ત્રણ શત્રુ સામે લડયું

નવી દિલ્હી, તા.4 : નાયબ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે જણાવ્યું હતું કે `ઓપરેશન સિંદૂર' દરમિયાન એક સરહદ અને ત્રણ દુશ્મન હતા. પાકિસ્તાન મોરચે હતું. ચીન અને તુર્કી શસ્ત્રો અને અન્ય સહાય પૂરી પાડી રહ્યા હતા. તેમણે કહ્યું કે  ચીને પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં અને શસ્ત્રોના પરીક્ષણ માટે આપણો એક પ્રયોગશાળા તરીકે ઉપયોગ કર્યો હતો.ભવિષ્ય માટે આપણને એક મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે. તેમણે કહ્યું, ચીન પાકિસ્તાન સાથે  આપણી દરેક વ્યૂહાત્મક ચાલના જીવંત  અપડેટ્સ શેર કરી રહ્યું હતું. તુર્કીએ બેરેક્ટર સહિત અન્ય ડ્રોન આપ્યા હતા જેનો ઉપયોગ આપણી સામે પણ કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ જનરલ સિંહે નવી દિલ્હીમાં `િફક્કી'ના `નવા યુગની સૈન્ય  ટેક્નોલોજીઓ' કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને ચીનની મદદમાં જોકે,આશ્ચર્યજનક કંઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાતા 81 ટકા શસ્ત્રો ચીનના છે. તેમણે કહ્યું કે ભારતે 21 લક્ષ્ય નક્કી કર્યાં હતાં જેમાંથી નવ લક્ષ્ય પર હુમલો કરવો એ અમારા માટે સમજદારીભર્યું પગલું હતું. લક્ષ્ય પસંદગીમાં ટેકનોલોજીની મદદ પણ લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરએ અમને ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. તે એક એવો સંઘર્ષ હતો જેણે આધુનિક યુદ્ધની મુશ્કેલીઓનો પર્દાફાશ કર્યો. તેથી, ભવિષ્યમાં આવા પડકારોનો સામનો કરવા માટે આપણને એક મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની જરૂર છે. સિંહે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન આપણા કેટલાક સ્વદેશી શસ્ત્રોએ સારી રીતે કામ કર્યું. પરંતુ કેટલાકે કામ જોઈએ એવું કામ કર્યું ન હતું. આપણે આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવી પડશે. આપણી પાસે ઇઝરાયલની જેમ આયર્ન ડોમ નથી. આપણી પાસે તે પ્રકારની લક્ઝરી નથી કારણ કે આપણો દેશ ખૂબ મોટો છે અને આ વસ્તુઓ માટે ઘણા પૈસા ખર્ચ થાય છે. આપણે ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે અને ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે.  ઉલ્લેખનીય છે કે, હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ખાસ સલાહકાર અને વરિષ્ઠ નેતા રાણા સનાઉલ્લાહે ખુલાસો કર્યો છે કે, જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બ્રહ્મોસ મિસાઇલો છોડી, ત્યારે અમારી સેના પાસે આ મિસાઈલ પરમાણુ હથિયારથી સજ્જ છે કે નહીં તે નક્કી કરવા માત્ર ફક્ત 30થી 45 સેકન્ડનો સમય હતો. 

Panchang

dd