લંડન, તા. 4 : વિમ્બલ્ડનમાં ભારતના યુકી ભામ્બ્રી અને ચીનના જિયાંગ ઝિનુએ મિક્સ્ડ
ડબલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં નિકોલ મેલિચર-માર્ટિનેઝ અને ક્રિશ્ચિયન હેરિસનને
6-3, 1-6, 7-6 (10-6)થી હરાવ્યા
છે. પરિણામે, ભારત-ચીની જોડી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ગઈ છે. અગાઉ ટેલર ફ્રિટ્ઝ અને એન્ડ્રે રુબલેવ પુરુષોના સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં
પહોંચ્યા હતા.આન્દ્રે રુબલેવે ફ્રાન્સના એડ્રિયન મન્નારિનોને 7-5, 6-2, 6-3 થી હરાવીને પ્રી-ક્વાર્ટર
ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. રશિયન ખેલાડીએ મેચમાં પાંચ બ્રેક પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે મન્નારિનોએ ફક્ત એક બ્રેક પોઈન્ટ મેળવ્યો
હતો. નંબર વન ઇટાલીના ખેલાડી યાનિક સિનરે પણ
ત્રીજા રાઉન્ડમાં આગેકૂચ કરી છે. તેણે આજે ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેકઝાંડર વૂવીકને 6-1, 6-1 અને 6-3થી હાર આપી હતી. મહિલા સિંગલ્સમાં
જાપાની ખેલાડી નાઓમી ઓસાકાની સફર સમાપ્ત થઇ હતી. તે ત્રીજા રાઉન્ડમાં રશિયાની અનાસ્તાસિયા
ફૂલ્સકોવા સામે 3-6, 6-4 અને
6-4થી હારીને બહાર થઇ હતી. રૂસી
તરુણી અને સાતમા નંબરની ખેલાડી મીરા એન્ડ્રિવા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે. તેણીએ
ઇટાલીની લૂસિયા બ્રોંજેટીને 6-1 અને 7-6થી હાર આપી હતી. જ્યારે 10મા ક્રમની એમા નવારોનો વેરોનિકા સામે 6-1 અને 6-2થી સરળ વિજય થયો હતો. 2022ની ચેમ્પિયન એલેના રિબાકિનાએ
મારિયા સકારીને 6-3 અને 6-1થી હાર આપી હતી.