• શનિવાર, 05 જુલાઈ, 2025

પોતાની શરતે ચર્ચા કરશે ભારત : ગોયલ

નવી દિલ્હી/વોશિંગ્ટન, તા. 4 : અમેરિકાના જેવા સાથે તેવા ટેરિફના કોરડાથી ઊચાટ વચ્ચે દુનિયાના અનેક દેશ વ્યાપાર સમજૂતી કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિયેતનામ સાથે 20 ટકા ટેરિફ સોદો થયાની જાહેરાત કરી છે, ત્યારે બધાની નજર ભારત-અમેરિકા વ્યાપાર સંધિ પર ટકી છે કેમકે કૃષિ, ઓટો સહિતનાં ક્ષેત્રમાં ભારત મક્કમ રહ્યું હોવાથી પેચ ફસાયો છે. દરમ્યાન, ટ્રમ્પે ભારત સહિતના દેશોને ચેતવણી આપતાં કહ્યું કે, નવ જુલાઈ સુધી વેપાર સંધિ નહીં થાય, તો પહેલી ઓગસ્ટથી 70 ટકા સુધી ટેરિફ ઝીંકવામાં આવશે. દરમ્યાન, ભારતીય ઓટોમોબાઈલ પર ટેરિફ લાદવાના જવાબમાં ભારતે વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)માં મુદ્દો ઊઠાવ્યો હતો અને જવાબી કાર્યવાહીની તૈયારી કરી હતી. બીજીતરફ, વાટાઘાટ માટે અમેરિકા ગયેલી ભારતીય ટુકડી પરત આવતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભારત પોતાની શરતોએ ચર્ચા કરે છે. ભારત ઘણા દેશો સાથે સમજૂતીથી વાટાઘાટ કરી રહ્યું છે. મુક્ત વેપાર સમજૂતી ત્યારે જ થતી હોય છે, જ્યારે બંને પક્ષનો ફાયદો હોય. કોઈ પણ દેશ સાથે વેપાર સંધિ કરતી વખતે રાષ્ટ્રીય હિત જ સર્વોચ્ચ રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે  વિયેતનામ સાથે ર0 ટકા ટેરિફ ડીલનું એલાન કર્યું હતું. માનવામાં આવે છે કે, અમેરિકા હવે પછીની વેપાર સમજૂતી સંભવત: આવતાં સપ્તાહે ભારત સાથે કરશે. આગામી સોમવાર સુધીમાં આ અંગે મહત્ત્વની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે એલાન કર્યું છે કે, શુક્રવારથી અમેરિકા દુનિયાભરના દેશોને ટેરિફ પત્ર મોકલવાનું શરૂ કરશે. ટ્રમ્પનો ટેરિફ પટારો અનેક દેશોને ચોંકાવી શકે છે. વિયેતનામ સાથે વેપાર સમજૂતીમાં અમેરિકાએ વિયેતનામથી અમેરિકા આવતી ચીજો પર ર0 ટકા ટેરિફ લગાવી છે. જો વિયેતનામના રસ્તે અન્ય કોઈ દેશનો માલ અમેરિકામાં આવશે, તો ટેરિફ 40 ટકા થઈ જશે. અમેરિકાના આ નિર્ણયથી ચીનને સૌથી વધુ ફટકો પડશે કારણ કે ચીનનો માલ મોટા પ્રમાણમાં વિયેતનામથી અમેરિકામાં ઠલવાય છે. ચીન પર અમેરિકા 30 ટકા ટેરિફ લાદી ચૂકયું છે.  ગત એપ્રિલમાં ટ્રમ્પે વિયેતનામ પર 46 ટકા અને ભારત પર ર6 ટકા ટેરિફનું એલાન કર્યું હતું. હવે વેપાર સમજૂતી હેઠળ અમેરિકાએ વિયેતનામ પર ર0 ટકા ટેરિફ લગાવ્યો છે, જે જોતાં ભારત પર 10થી 1પ ટકા ટેરિફ સંભવ છે. ટ્રમ્પે જેવા સાથે તેવા ટેરિફને 90 દિવસ માટે ટાળ્યો હતો જેની સમયમર્યાદા 8 જુલાઈએ પૂરી થઈ રહી છે. અમેરિકાની વિયેતનામ સાથે વેપાર ડીલ ભારત માટે મહત્ત્વની છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો મુખ્ય મુકાબલો ચીન ઉપરાંત વિયેતનામ સાથે છે. વિયેતનામની અમેરિકામાં નિકાસ 13પ અબજ ડોલર જેટલી છે જેની સામે ભારતની નિકાસ 90 અબજ ડોલર આસપાસ છે. અમેરિકા જો વિયેતનામની તુલનાએ ઓછો ટેરિફ લગાવશે, તો તેનો સીધો ફાયદો ભારતને થશે. અમેરિકા ભારત પર કૃષિ અને ડેરી ઉત્પાદનો પર આયાત શુલ્કમાં ઘટાડો કરવા દબાણ કરી રહ્યું છે. જાણકારો અનુસાર, ભારત અનાજ અને જેનેટિકલી મોડિફાઈડ ઉત્પાદનોને બાદ કરતાં અન્ય ઘણી કૃષિ ચીજોમાં અમેરિકાથી આયાતનો દરવાજો ખોલી શકે છે. બદલામાં અમેરિકા ટેકસટાઈલ, લેધર, જેમ્સ જ્વેલરી, એન્જિનીયરિંગ ચીજો, ઈલેક્ટ્રોનિક્સ વગેરેમાં ભારતને રાહત આપી શકે છે. જો કે, ડેરી ઉત્પાદનો માટે ભારત અમેરિકા માટે દરવાજો ખોલવા ઈચ્છુક નથી. 

Panchang

dd